ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના ઉતરવાની ઘટનાના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે ઈસરોમાં હાજર રહેવાના છે. મોદી સાથે ક્વિઝ જીતનાર સમગ્ર દેશમાંથી 70 બાળકો અને તેમના માતા-પિતાને પણ ઈસરો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પહેલાં અમેરિકા, ચીન અને રશિયાનું યાન ચંદ્રના બીજા ભાગમાં ઉતરી ચૂક્યા છે.
ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ શુક્રવારે રાત્રે 1.30થી 2.30 દરમિયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. વિક્રમમાંથી રોવર પ્રજ્ઞાન સવારે 5.30થી 6.30 દરમિયાન બહાર આવશે. પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર એક લૂનર ડે (ચંદ્રનો એક દિવસ)માં જ ઘણાં પ્રયોગો કરશે. ચંદ્રનો એક દિવસ ધરતીના 14 દિવસ બરાબર હોય છે. જોકે ચંદ્રની કક્ષામાં ચક્કર લગાવતું ઓર્બિટર એક વર્ષ સુધી આ મિશન પર કામ કરશે. જો લેન્ડર વિક્રમ ચંદ્રની એવી સપાટી પર ઉતરશે જ્યાં 12 ડિગ્રી કરતાં વધુ ઢાળ હોય તો તે ઉંઘુ પડી જાય તેવું જોખમ છે.