ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે થોડા દિવસોની અંદર અબુ ધાબી અને દુબઈ ગુરુવારે ફરી જળબંબાકાર થયું હતું. ભારે વરસાદને કારણે ઘણી ફ્લાઇટ્સો રદ થઈ હતી અને બસ સર્વિસ સ્થગિત થઈ હતી. અગાઉ એપ્રિલના અંત ભાગમાં યુનાઈટેડ આરબ અમીરાતમાં ભારે પૂર આવ્યું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અબુ ધાબીના કેટલાંક વિસ્તારોમાં શેરીઓમાં પાણી ભરાયા હતા, જ્યારે જેબેલ અલી, અલ મકતુમ ઈન્ટરનેશનલ એરપોર્ટ, દુબઈ ઈન્ડસ્ટ્રીયલ સિટી, દુબઈ ઈન્વેસ્ટમેન્ટ્સ પાર્ક અને જુમેરાહ વિલેજ ટ્રાયેન્ગલમાં જોરદાર પવન ફૂંકાયો હતો.રાત્રે દુબઈમાં આવતી પાંચ ફ્લાઈટ્સ ડાયવર્ટ કરાઈ હતી અને દુબઈથી બહાર જતાં ચાર ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. અન્ય નવ ફ્લાઇટ્સ પણ રદ કરાઈ હતી. એમિરેટ્સ એરલાઇન્સની ઘણી ફ્લાઇટ્સ પણ રદ કરાઈ હતી. એમિરેટ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્લાઇટ્સનું સમયપત્રક બદલાઈ ગયું હોવાથી દુબઇ એરપોર્ટ પર આવતા કે જતા પ્રવાસીઓએ વિલંબનો સામનો કરવો પડશે. સવારે 4 વાગ્યે, હવામાન વિભાગે વરસાદી વાદળછાયા વાતાવરણનું એલર્ટ જારી કર્યું હતું. જો કે અગાઉની સરખામણીમાં વરસાદની તીવ્રતા ઓછી રહેવાની ધારણા છે છતાં 3મે સુધી દેશમાં હવામાનની પ્રતિકૂળ સ્થિતિ રહેવાની આગાહી છે.એક પોસ્ટમાં, ઈન્ડિગોએ જણાવ્યું હતું કે હવામાનની પ્રતિકૂળ સ્થિતિને કારણે દુબઈ, અબુ ધાબી અને શારજાહ માટેની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. ઉલ્લેખનીય છે કે 14-15 એપ્રિલ દરમિયાન અરેબિયન દ્વિપકલ્પમાં મુસળધાર વરસાદ પડ્યો હતો, જેમાં દુબઇમાં 1949 પછી સૌથી વધુ વરસાદ પડ્યો હતો.