ભૂતપૂર્વ ધારાસભ્યો ક્વાર્ટર ખાલી નહિ કરતા તાળું તોડી કબજો લેવાયો

0
190

હોદ્દો ગયા બાદ પણ ધારાસભ્ય ક્વાર્ટર પર કબજો જમાવનારા ભૂતપૂર્વ ધારાસભ્યો પાસેથી ક્વાર્ટર ખાલી કરાવવા વિધાનસભા સચિવાલયે કડક કાર્યવાહી હાથ ધરી છે. કોંગ્રેસના ઠાસરાના ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે એમએલએ ક્વાર્ટરનો કબજો ન સોંપતા વિધાનસભાના અધિકારીઓએ ક્વાર્ટરનું તાળું તોડી કબજો પરત લીધો હતો.

સૂત્રોના મુજબ, વિધાનસભા સચિવાલય તરફથી કાંતિ પરમારને તાત્કાલિક કબજો સોંપવા જણાવાયું હતું, પરંતુ કાંતિ પરમારે હાલ ગાંધીનગર આવી શકવાની અસમર્થતા દર્શાવતા અધિકારીઓએ તાળું તોડીને કબજો લેવા તેમની સંમતિ મેળવી હતી. તેમણે સંમતિ આપતા વીડિયોગ્રાફી સાથે તાળું તોડી કબજો લેવાયો હતો. આ કાર્યવાહીને કારણે બાકી રહેલા પાંચ પૈકી અન્ય બે ભૂતપૂર્વ ધારાસભ્યે તાત્કાલિક કબજો પરત સોંપી દીધો હતો.

સૂત્રોએ કહ્યું કે, વિધાનસભા સચિવાલય તરફથી ભૂતપૂર્વ ધારાસભ્યોને ક્વાર્ટર ખાલી કરવા માટે 15 જાન્યુઆરી સુધીનો સમય અપાયો હતો. તે પછી પણ 17 ભૂતપૂર્વ ધારાસભ્યે ક્વાર્ટર ખાલી કરી બિલ સહિતનાં બાકી લેણાં ચૂકવ્યાં ન હતાં, જેથી તેમનો 8 દિવસનો પગાર અટકાવવામાં આવ્યો હતો ત્યાર બાદ ક્વાર્ટરનું તાળંુ તોડી કબજો લેવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેના પગલે મોટા ભાગના ભૂતપૂર્વ ધારાસભ્યોએ કબજો સોંપી દીધો છે. હવે માત્ર બે ભૂતપૂર્વ ધારાસભ્ય સુમન ચૌહાણ, સંતોક અરેઠિયા ક્વાર્ટર સોંપવામાં બાકી રહ્યાં છે. જોકે બંનેએ મંગળવારે કબજો સોંપવાની ખાતરી આપી હોવાથી હાલ કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી છે.