PM નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાના બીજા અને અંતિમ ચરણ માટે અમદાવાદના સરસપુર ખાતે ભાજપના પ્રચાર માટે અંતિમ સભાને સંબોધતાં શહેર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના મતદારોને આગામી ૨૫ વર્ષમાં ગુજરાતને સમૃદ્ધ, ઉજ્જવળ, દિવ્ય અને વિકસિત રાજ્ય બનાવવા, દેશને વિકસની નવી ઊંચાઇએ લઇ જવા પાંચમી ડિસેમ્બરે યોજાનારા મતદાનમાં મહત્તમ મતદાન કરવા તથા દરેક બૂથ પર કમળને વિક્રમી મતોથી વિજયી બનાવવા આહવાન કર્યું હતું.
PM મોદીએ પહેલી વખત મતદાન કરવાના છે તેવા યુવાઓને હ્રદયસ્પર્શી અપીલ કરતાં કહ્યું કે, આ મતદાન ૨૫ વર્ષ પછી ગુજરાત કેવું સશક્ત, સમૃદ્ધ, દિવ્ય, ભવ્ય અને વિકસિત હોય એનો મજબૂત પાયો નાખવા માટે મતદાન કરવાનું છે. એટલે પહેલી વખત મતદાન કરનારાઓને વિશેષ આગ્રહ છે કે તમારા ૨૫ વર્ષ ઉત્તમ જાય એ માટે કમળને વોટ આપજો. હું તમને ગેરંટી આપું છું તમારા ઉજ્જવળ ભવિષ્યની. તેમણે ઉમેર્યું કે, રાજ્યભરના ચારેય ખુણે એક જ અવાજ છે.. અબ કી બાર ભાજપ સરકાર. PM મોદીએ પોતાના સંબોધનના આરંભમાં જ કહ્યુંકે, ‘પહેલા ચરણનું મતદાન પૂરું થયું છે. જે લોકો ઉછળી ઉછળીને બોલતા હતા, એ ગઇકાલ સાંજથી ચૂપ છે. એ લોકો સમજી ગયા છે કે ગુજરાતમાં આપણો મેળ પડે એમ નથી.
પહેલા ચરણના મતદાનથી એ નક્કી થઇ ગયું છે કે ભાજપ અભૂતપૂર્વ વિજય પ્રાપ્ત કરી રહ્યો છે.’ ચૂંટણીમાં મોદીને અને મતદાન થાય ત્યારે EVMને ગાળો આપવાની કોંગ્રેસની આદત છે, તેમ કહી PMએ ઉમેર્યું કે, ‘હું કહું છું એમ નહીં, કોંગ્રેસ વાળા પણ કહે છે. બે દિવસથી કોંગ્રેસના નિવેદનો સાંભળો. EVM આમ, EVM તેમ કહીને ગાળો બોલે છે. કોંગ્રેસ જ્યારે EVMને ગાળો બોલે એટલે સમજી લેવાનું કે એણે ઉચાળા ભરી લીધા છે. એમનો ખેલ પહેલા ચરણમાં જ પૂરો થઇ ગયો છે.’ દરમિયાન PM નરેન્દ્ર મોદી 5મી ડિસેમ્બરે રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે.