મધ્યપ્રદેશના ઝાબુઆમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ટ્રક અને કાર વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં 9 લોકોના મોત થયા છે. મૃતકો બધા એક જ પરિવારના હતા. મળતી માહિતી મુજબ, કારમાં સવાર પરિવાર લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન, મેઘનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેજેલી ગેટ પાસે કાર ટ્રક સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા. મૃતકોમાં 2 પુરુષો, 3 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. બધા એક જ પરિવારના સભ્યો હતા.
મળતી માહિતી મુજબ, ઝાબુઆ જિલ્લાના થાંડલા પોલીસ સ્ટેશનના નોગાવા ચોકીથી થોડે દૂર સેજેલી ગેટ પાસે એક ટેન્કર અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. કારમાં સવાર 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે છોકરીઓ ઘાયલ થઈ હતી. ઘાયલ છોકરીઓને ગ્રામજનો દ્વારા નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
એવું કહેવાય છે કે આ અકસ્માત મોડી રાત્રે 2 વાગ્યે થયો હતો જ્યારે કારમાં સવાર લોકો માનપુર ગામમાં લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલ પરિવાર દેવગઢના ઉંડિખાલી શિવગઢનો રહેવાસી હતો.