કોરોના મહામારીની કળ વળે તે પહેલાં જ દેશની આર્થિક રાજધાની પર આસમાની આફતે કહેર વરસાવતાં છેલ્લાં 48 કલાકમાં ભારે વરસાદને કારણે પાણીમાં તણાઈ જવાથી કે જમીન ધસી પડવાને કારણે 129થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી સાથે રાજ્યના 6 જિલ્લામાં આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જારી કરતાં નાગરિકોને ભારે વરસાદથી તાત્કાલિક રાહતના કોઈ અણસાર નથી. શુક્રવારે રાજ્યમાં જમીન ધસી જવાને કારણે 42 લોકોના મોત નિપજ્યાં હતાં, જે પૈકીના 36ના મોત રાયગઢ જિલ્લામાં થયાં હતાં. રત્નાગિરી જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલી લેન્ડસ્લાઈડમાં 10 જણાં ફસાયાં હોવાનું અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું છે. જ્યારે કોલ્હાપુર જિલ્લામાં ધસમસતા પૂરમાં તણાઈ રહેલી એક પ્રવાસી બસમાંથી 11 જણાંને સલામત રીતે બહાર કઢાયા હતાં.
રાજ્યમાં વરસાદને લીધે થયેલા ભારે નુકસાન અને જાનહાની અંગે શોક વ્યક્ત કરતાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાહત કાર્ય ઝડપી બનાવવા આદેશ જારી કર્યા હતાં. ભારે વરસાદ વચ્ચે બચાવ ટીમ હેલિકોપ્ટરની મદદથી ફસાયેલાં લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી કરી રહી છે. રાજ્યમાં વરસાદથી સૌથી પ્રભાવિત જિલ્લાઓ પૈકીના એક રાયગઢમાં મોટાભાગના રસ્તાઓ અને પુલ ધોવાઈ જવા ઉપરાંત પહાડી વિસ્તાર હોવાના કારણે બચાવ અને રાહત કાર્યમાં મુશ્કેલીઓ નડી રહી છે.
સત્તારા જિલ્લામાં ભારે વરસાદ સંબંધિત જમીન ધસી પડવા સહિતની દુર્ઘટનાઓને કારણે છ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. જ્યારે ત્રણ જણાં હજી પૂરમાં ફસાયા હોવાની માહિતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીએ આપી હતી.
ભારે વરસાદને કારણે અમ્બેઘર ગામમાં જમીન ધસી પડતાં 4 મકાનો તૂટી પડ્યાં હતાં, જેમાં 13-14 લોકો જ્યારે મિરગાંવ ગામમાં જમીન ધસી પડવાને કારણે 3 મકાનો તૂટી જતાં 13-14 લોકો ફસાયાં હતાં. આ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી હોવાનું અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું. ચિપલુણ શહેરમાં પૂરના પાણી ઓસરતાં એક મૃતદેહ મળી આવ્યો હતો.
ભારે વરસાદને કારણે મુંબઈ-બેંગાલુરૂ નેશનલ હાઈવે પર ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાઈ હતી. જેને પગલે પોલીસે કોલ્હાપુરથી બેંગાલુરૂ તરફનું પરિવહન બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદને પગલે કુલ 114 જેટલાં પાળબંધ ડૂબી ગયાં છે. રસ્તાઓ સંપૂર્ણ રીતે ધોવાઈ જવાને કારણે કોલ્હાપુરના આશરે 47થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યાં છે.