પાટનગરમાં પાણીના મીટર મૂકવા માટે મુખ્યમંત્રી કક્ષાએથી મંજૂરી મળતાં ગાંધીનગર જાગૃત
નાગરિક પરિષદની કાર્યવાહક સમિતિએ આ સંદર્ભે ચર્ચા યોજી કેટલાક મહત્ત્વના સૂચનો કરી કુટુંબના
વપરાશનું પાણી લઘુત્તમ દરથી મળે તે સુનિશ્ચિત કરવા તંત્રને અપીલ કરી છે.
પરિષદની બેટકમાં થયેલ ચર્ચા બાદ રજૂ કરાયેલ સુચનોમાં સામાન્ય રીતે પાંચ વ્યક્તિના
કુટુંબની જરૂરિયાત મુજબના પાણી માટે લઘુત્તમ દર નક્કી કરી વહીવટી ખર્ચ ઘટે એ માટે
પાણીના બીલ ત્રણ મહિનામાં એકવાર બનાવવા, પાણીના મીટર સ્ટાન્ડર્ડ કંપનીના નિશ્ચિત વૉરંટી-સર્વિસની શરતો સાથે
ખરીદવા, પ્રેશરથી પાણીનું વહન થઈ કાટ ન લાગે તેવી સ્ટાન્ડર્ડ કંપનીની પાણીની નવી પાઈપલાઈન નાખવી,
ઉપરાંત મીટરને કારણે પાણીનો વપરાશ ઘટતાં થનાર જળબચતને નફો ગણી રહીશો પર
વધારાનો આર્થિક બોજ ન પડે તેવા ઓછા દર નક્કી કરવા, મીટરની માલિકી સરકારની રાખી,
મેઈન્ટેનન્સની જવાબદારી સ્વીકારી મીટરનું ટોકનભાડું વસૂલવા તેમજ વસતીના ધોરણોને ધ્યાને રાખીને પાણીની
ફિલ્ટર ક્ષમતા અગાઉથી જ વધારી ડહોળા પાણીની સમસ્યાથી રહીશોને કાયમી મુક્તિ અપાવવાના સૂચનોનો સમાવેશ થાય છે.
પરિષદના પ્રમુખ જ્યોતિન્દ્ર દવે, એચ. બી. વરિયા, ભાનુપ્રસાદ પુરાણી, પ્રા. રવિન્દ્ર દવે, નિરંજન આઝો, સુંમતભાઈ શાહ, જીવણલાલ પરમારે
ચર્ચામાં ભાગ લઈ મહત્ત્વના સૂચનો કર્યા હતા.