મીના બજાર, સેક્ટર-૬ અને ૧૬માંથી ૮૦ ઝુંપડા, લારી-ગલ્લાઓ હટાવાયાં…..

0
22

પાટનગરમાં રહેણાંક અને વાણિજ્ય હેતુના દબાણોથી ઘેરાઇ ચૂકેલી સરકારી જમીનો ખુલી કરાવવા સરકારે આદેશ આપ્યા બાદ પાટનગર યોજના વિભાગ દ્વારા સોમવારે મીના બજાર, સેક્ટર ૬ અને ૧૬માંથી ઝુંપડા અને લારી ગલ્લાના ૮૦ દબાણો હટાવાયા હતાં. હવે પાટશન વોલથી ખુલી જગ્યાને સુરક્ષિત કરવાની વિચારણા છે પરંતુ હપ્તાખોરી જીવંત રહેશે તો વોલની અંદર દબાણનો જમાવડો ઉભો થઇ જ જવાનો છે.કરોડોની કિંમત ધરાવતી સેક્ટર વિસ્તારની સરકારી જગ્યા દબાણ મુક્ત કેટલા દિવસ માટે રહેશે તે સવાલ તો ઉઠતો જ રહેવાનો છે. પરંતુ હાલમાં તો પાટનગર યોજના વિભાગ દ્વારા તેના હસ્તકની જમીનો પરના દબાણો હટાવવા માટે કમર કસવામાં આવી છે. વિભાગ દ્વારા ૧૪૦૦ જેટલા દબાણ ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેને ખસેડવામાં આવનાર છે. તેના માટે ૩૦ ટીમની રચના કરવામાં આવી છે. તેમાંથી દરરોજ પાંચ ટીમ કામે લાગવાની છે. તારીખ ૨૧મીએ સવારથી ઝુંબેશનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. આ કામગીરી આગામી તારીખ ૨૬મી સુધી ચાલુ રાખવામાં આવનાર છે. અધિકારીઓની આગેવાનીમાં કર્મચારીઓ દ્વારા જેસીબી અને બુલડોઝર મશીન સાથે દબાણો તોડી પાડવામાં આવ્યા તેમાં કાચા, પાકા દબાણોનો સમાવેશ થયો હતો. તંત્ર દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે પોલીસ પાર્ટીને સાથે રાખવામાં આવી હતી.