મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ કિસાનો સહિતના જે લાભાર્થીઓને મળવાપાત્ર ધિરાણ સહાય યોજનામાં સરકાર ગેરંટર છે તેવા લાભાર્થીઓને ધિરાણ આપવામાં ગતિ લાવવા બેંકોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે પીએમ સ્વનિધિ જેવી નાના વેપારીઓ-ફેરિયાઓને આત્મનિર્ભર બનાવતી ધિરાણ સહાયમાં અને નાના ખેડૂતોની કિસાન ક્રેડિટ જેવી યોજનાઓમાં પણ સરકાર ગેરેન્ટર હોય છે ત્યારે બેંકોને ધિરાણ સામે સિક્યુરિટીની કોઈ સમસ્યા હોવી ન જોઈએ.
મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં 182મી સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે પશુધન માટેના તેમજ માછીમારોના ક્રેડિટ કાર્ડની યોજનામાં પણ ગતિ લાવવા બેન્કર્સને સૂચન કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના ગરીબ અને નાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવાની નેમ સાથે જન કલ્યાણ યોજનાઓ અમલી બનાવી છે ત્યારે બેન્કર્સ આવી યોજનાઓની સફળતામાં ઉત્તમ યોગદાન આપી શકે તેમ છે.
તેમણે હાલની વરસાદી આફતમાંથી નાના વેપારીઓ – ધંધા વ્યવસાયકારોની ઝડપભેર પૂર્વવત થવા બેંક્સની મદદ મળી રહે તેવો અનુરોધ કર્યો હતો.