રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા…

0
162

જયપુરમાં મંગળવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ શ્યામનગર વિસ્તારમાં સુખદેવસિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસીને બપોરે ગોળી મારી હતી અને ફરાર થયા હતા. આ હત્યાકાંડ પછી સમગ્ર રાજસ્થાનમાં તણાવપૂર્ણ સ્થિતિ છે.ગોગામેડીની હત્યાને લઈને રાજપૂત સમુદાયના સંગઠનોમાં ભારે રોષ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે બુધવારે જયપુર સહિત સમગ્ર રાજસ્થાન બંધનું એલાન કરવામાં આવ્યું છે. મંગળવારે રાતે કેટલાક સંગઠનો પાટનગર જયપુરના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ તેમણે ગોગામેડીની હત્યા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને હુમલાખોરોની જલદી ધરપકડ કરી ન્યાયિક તપાસની માગ કરી હતી. જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યૉર્જ જોસેફે જણાવ્યું હતું કે,‘સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી લાગ્યા બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ફાયરિંગની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસન ઘટના સ્થળે પહોંચ્યા હતા.’ તેમણે વધુમાં કહ્યું કે,‘તેમની પાસે ઊભેલા સુરક્ષા ગાર્ડને પણ ગોળી વાગી હતી. તેઓ પણ આઈસીયુમાં ભરતી છે. આ ગોળીબારમાં એક હુમલાખોરનું મૃત્યુ પણ થયું છે.’
જયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં આજે બંધનું એલાન.