કુદરતે આપણને સ્વચ્છ પહાડો, ડુંગરો, નદીઓ, સમુદ્ર અને જંગલો આપ્યા છે, પણ આપણે સૌએ ગંદકી ફેલાવીને કુદરતી સંપદાને દુષિત કરી, પ્રકૃતિના રોશનો આપણે ભોગ બની રહ્યા છીએ, તેવું આજરોજ ગાંઘીનગર જિલ્લાના કોબા ગામ ખાતે યોજાયેલ શ્રમદાન કાર્યક્રમનો આરંભ કરાવતાં ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. કોબા ગામમાં શ્રમદાન કાર્યક્રમને હાથમાં ઝાડું લઇ ગામમાં પડેલા કચરાની સફાઇ કરી રાજયપાલશ્રીએ આરંભ કર્યો હતો.
ગુજરાતની ઘરા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘી, સરદાર પટેલ અને સ્વામી દયાનંદ સરસ્વતી જેવા મહાન પૂજય વ્યક્તિઓ આપ્યા છે, તેવું કહી રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગંદકી કરે તે મોટો અને ગંદકી સાફ કરે તે નાનો, તેવી નાની સમજ દૂર કરવાનો સમય આવી ગયો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા કે, આપણા ઘરનું શૌચાલય પણ એટલું સ્વચ્છ હોય કે, ત્યાં બેસી આપણે પૂજા-અર્ચના કરી શકીએ. આ કામને થોડાક વર્ષેા અગાઉ ગુજરાતના સપુત અને દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સ્વચ્છ ભારત અભિયાનનો આરંભ કર્યો છે. આ અભિયાની ફલશ્રૃતિ રૂપે બાળકો પણ જો મા-બાપ, વડીલ કે કોઇને ગંદકી કરતાં જોઇ જશે, તો તેમને ટકોર કરતાં બન્યા છે. લોકોને સ્વચ્છતા ઘરની કે પોતાની નહિ, પણ આસપાસની સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે, તેવું કહી જણાવ્યું હતું કે, આ અભિયાન અંગેની જાગૃત્તિ ફેલાવવા માટે રાજભવન દ્વારા દર માસની ૧ થી ૧૦ તારીખ દરમ્યાન કોઇ પણ એક દિવસે ગુજરાતના કોઇ પણ ગામમાં સ્વચ્છતા કરી શ્રમદાન કાર્યક્રમમાં સહભાગી બનવામાં આવશે.
રાજયપાલશ્રીએ વઘુમાં જણાવ્યું હતું કે, કુદરતની સ્વચ્છતાને જીવ સૃષ્ટિમાં કોઇ પણ પ્રાણી ગંદકી કરતું નથી. સુવર જેવું પ્રાણી દશ વ્યક્તિઓ જેટલું સફાઇનું કામ કરે છે. પણ સૌથી સમજદાર પ્રાણી મનુષ્ય જ ગંદકી વઘારે ફેલાવે છે. જેના કારણે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગની અસરો ભોગવી રહ્યું છે. આજે આપણે દિવાળી પછી પણ વરસાદ મેળવી રહ્યા છીએ, તે ગ્લોબલ વાર્મિગની અસર જ છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, ગેલેસિયર પીગળવાની ગતિ બે ગણી છે, તેવું કહી રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, આગામી ૫૦ વર્ષના બાદ મુંબઇ જેવા દરિયા કિનારાના મહાશહેરો સમુદ્વમાં ગરકાવ થશે. તેમજ નદીઓમાં પાણી નહી રહે, જેના પરિણામે શહેરો પણ વિનાશ પામશે. જેથી સર્વે નાગરિકોને કુદરતનું સંચાલન કરતાં ભગવાનના આદેશનું પાલન કરીને પર્યાવરણને નુકશાન ન કરવા અને તેનું જતન કરવા તથા સાફ-સફાઇ રાખવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે પ્રઘાનમંત્રીશ્રીના ’ બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનમાં સર્વે નાગરિકોને જોડાવવા પણ આહૂવાન કર્યું હતું.
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતાને આઝાદી કરતાં પણ મહત્વનો વિષય માનતા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વાતને સાર્થક કરવા સ્વચ્છતા આગ્રહી બનવા સર્વેને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ રાજયપાલશ્રીના ઉમદા સંકલ્પનો આરંભ ગાંધીનગરના કોબા ગામથી થયો છે, તેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે આભારવિઘી જિલ્લા વિકાસ અઘિકારી શ્રી આર.આર.રાવલે કરી હતી.
શ્રમદાન કાર્યક્રમમાં રાજયપાલશ્રી સહિત તમામ મહાનુભાવો, અઘિકારીઓ અને ગ્રામજનો દ્વારા ગામમાં ઝાડું લઇ સ્વચ્છતા અભિયાનનો આરંભ કરીને કચરો એકઠો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામમાં સ્વચ્છતાનું કામ કરતાં સ્વચ્છતા કર્મી ભાઇ-બહેનોનું રાજયપાલશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના સરપંચ શ્રી યોગેશ નાયી, રાજયપાલશ્રીના સચિવ શ્રી અરવિંદભાઇ જોષી, નિવાસી અઘિક કલેકટર શ્રી એચ.એમ.જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બહ્મભટ્ટ સહિત વિવિઘ સંસ્થાઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.