કોંગ્રેસના યુવા નેતાઓ દ્વારા પાર્ટીને છોડવાનો સિલસિલો જારી છે ત્યારે રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ અને તેમના સમર્થક સત્તા-ગઠબંધનમાં પોતાની ભાગીદારી માટે મુખ્યમંત્રી અશોક ગહેલોતને હવે વધુ મહેતલ આપવા માગતા નથી. એવું કહેવાય છે કે પાયલોટે કોંગ્રેસ નેતૃત્વને સ્પષ્ટ કર્યુ છે કે કોંગ્રેસ સંગઠન અને સરકાર એમ બન્નેમાં તેમના સમર્થકોને જાણીજોઇને જગ્યા અપાતી નથી. જોકે કોંગ્રેસ જીતિન પ્રસાદ બાદ હવે પાયલોટને જવા દેવાના મૂડમાં નથી. આથી તેણે તેમના અસંતોષને ઠારવાની કવાયત વધારી દીધી છે. હાલમાં સચિન પાયલોટ કોંગ્રસની ટોચની નેતાગિરીને મળવા દિલ્હીમાં છે. બીજી બાજુ ભાજપે તેમના માટે દરવાજા ખુલ્લા હોવાની ઓફર પણ કરી દીધી છે. ભાજપે ઈશારોમાં સચિન પાયલોટને ઓફર આપતાં કહ્યું કે પક્ષના દરવાજા એ તમામ લોકો માટે ખુલ્લા છે, જે દેશને પ્રથમ પ્રાથમિકતા આપે છે.