વડોદરામાં નવા 19 જ્યારે મહેસાણામાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 4395 થઇ છે. 24 કલાકમાં કોરોનાના 313 નવા પોઝિટિવ કેસ, 17ના મોત, અમદાવાદમાં 249 કેસ, 86 દર્દી સાજા થયા છે. મહેસાણા જિલ્લામાં વડનગરના મોલિપુર ખાતે ત્રણ કેસ નોંધાયા છે. વડોદરામાં વધુ એક દર્દીનું મૃત્યુ થતાં રાજ્યનો કુલ મૃત્યુઆંક 198એ પહોંચ્યો છે. તેમજ 527 દર્દીઓને રજા આપવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે રાજ્યના અનેક જિલ્લાઓમાં પરપ્રાંતીઓ ફસાયેલા છે. કેન્દ્રની ગાઈડલાન પ્રમાણે આ પરપ્રાંતીઓને તેમના વતન પરત મોકલવામાં આવશે. જે પરપ્રાંતી સંપૂર્ણ સ્વસ્થ હશે તેને જ પરત મોકલવામાં આવશે. આ માટે 8 IPS-IASને જવાબદારી સોંપવામાં આવી છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના જે લોકો બહાર ફસાયેલા છે તેમને પણ રાજ્યમાં પરત લાવવામાં આવશે. આ માટે સાંજ સુધીમાં અરજી કરવા માટે પોર્ટલ તૈયાર કરવામાં આવશે. ગુજરાત બહાર રહેતા લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં વાહનની વિગત પણ ભરવાની રહેશે.આગામી 10-15 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.