ગાંધીનગરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,251 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 368 થયો છે. જ્યારે 1381 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં થયેલા મૃત્યુની વાત કરીએ તો 3મેના રોજ 28, 4મેના રોજ 29 અને આજે 49 દર્દીના મોત થયા છે. આમ 72 કલાકમાં 106 દર્દીના મોત થયા છે. તે જોતા રાજ્યમાં લગભગ દર 40 મિનિટે એક દર્દીનું મોત થઈ રહ્યું છે. મંગળવારે ચોવીસ કલાકમાં આખા દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર પાંચ દર્દીએ એક અમદાવાદનો અને દર ચારે એક ગુજરાતી દર્દી છે.
કોરોનાના ગુજરાતમાં સામે આવેલા આંકડા ગંભીર સ્થિતિનો અંદેશો દર્શાવી રહ્યાં છે. કારણ કે મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વીતેલાં 24 કલાકમાં આખા ભારતમાં જેટલાં નવા પોઝિટિવ કેસ આવ્યાં તે પૈકી 11 ટકા ગુજરાતના રહ્યાં તો કુલ મૃત્યુના કેસમાં 25 ટકા પ્રમાણ ગુજરાતનું રહ્યું. આખાં ભારતમાં નવા પોઝિટિવ કેસ 3,875 હતાં તેની સામે ગુજરાતમાં 441 નવા કેસ આવ્યાં તો ભારતમાં નોંધાયેલાં 194 મૃત્યુના કેસમાં 49 મૃત્યુ સાથે 25 ટકા કેસ ગુજરાતમાં નોંધાયા છે.