ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આવેલા વિશ્વ વિખ્યાત વરદાયિની માતાના મંદિરે આસો સુદ નોમના દિવસે ભરાતી પરંપરાગત પલ્લી માટેની તમામ આખરી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજે ‘આસો સુદ નોમ’ના દિવસે યોજાનારા આ ધર્મોત્સવમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડવાની શક્યતા છે. જેના પગલે બે ડીવાયએસપી સહિત 500થી વધુ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ વર્ષે પણ દર વર્ષની માફક 20 કરોડથી વધુનો ઘીનો અભિષેક થવાની શકયતા છે.રૂપાલ પલ્લીમાં વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની પલ્લી ઉપર કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક થવાની ધારણા છે. આજે નોમની રાત્રે જ્યારે ભક્તો બાધા પૂર્ણ કરવા માટે માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરશે, ત્યારે ગામની શેરીઓમાં રીતસર ઘીની નદી વહેતી થશે. હૈયું દબાય તેવી ભીડ વચ્ચે ‘જય જય વરદાયિની’ના જયઘોષથી સમગ્ર ગગન ગુંજી ઉઠશે. આ ધર્મોત્સવ લાખો શ્રદ્ધાળુઓ માટે જીવનભરનું સંભારણું બની રહે છે.






