ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સવાર સવારમાં ભીષણ અકસ્માત થયો છે.લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ટેન્કર અને ડબલ ડેકર બસની જોરદાર ટક્કર થઈ અને ત્યારબાદ બસ અનેકવાર પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં 18 મુસાફરોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ડબલ ડેકર બસ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી. જ્યારે સવારે લગભગ 4.30 વાગે ઉન્નાવના બેહટા મુજાવર પોલીસ મથક હદમાં ગઢા ગામ નજીક પહોંચી તો ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા દૂધ ભરેલા ટેન્કરે ઓવરટેક કરી અને આ દરમિયાન બસ સાથે ટેન્કર અથડાયું. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ડબલ ડેકર બસ અનેકવાર પલટી ખાઈને ફૂરચા ઉડી ગયા હતા. આ ઘટનાની સૂચના મળતા જ ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.