લખીમપુર ખીરી:બે સગી બહેનોની હત્યા મામલે તમામ 6 આરોપીની ધરપકડ

0
350

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના નિઘાસનમાં બુધવારે સાંજે એક ખેતરમાંથી બે સગી બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવતા હડકંપ મચી ગયો છે. બંને છોકરીઓ દલિત સમુદાયની હતી. આ મામલે મુખ્ય આરોપી છોટુ સહિત 6 લોકોની ધરપકડ કરાઈ છે. જે તમામ એકબીજાના મિત્રો છે. તેમના પર પોક્સો એક્ટ હેઠળ રેપ અને હત્યાની કલમો લગાડવામાં આવી છે. એક આરોપીને પોલીસે એન્કાઉન્ટર બાદ દબોચ્યો છે. તેના પગમાં ગોળી વાગી છે. આરોપીઓની ઓળખ છોટુ, સુહૈલ, જૂનૈદ, હાફિઝ અને હફીઝૂલ તરીકે થઈ છે.આ મામલે લખીમપુર ખીરીના એસપીએ કહ્યું કે છોકરીઓ સાથે દુષ્કર્મ બાદ તેમનું ગળું ઘોંટીને હત્યા કરી નાખવામાં આવી. સમગ્ર મામલે છોટુ સહિત 6 લોકોની ધરપકડ થઈ છે. જ્યારે છોકરીઓએ આરોપીઓ પર લગ્નનું દબાણ કર્યું તો તેમની હત્યા કરી નાખવામાં આવી. એસપીએ કહ્યું કે આરોપી છોટુએ અન્ય આરોપીઓ સાથે છોકરીઓની મુલાકાત કરાવી હતી. અન્ય ચીજો પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સ્પષ્ટ થશે.
આ મામલે સૂત્રોએ જણાવ્યું કે મૃત છોકરીઓની માતાનો આરોપ છે કે બાજુના ગામમાં રહેતા ત્રણ યુવકોએ તેમની પુત્રીઓનું ઝૂપડી પાસેથી અપહરણ કર્યું અને ત્યારબાદ તેમની હત્યા કરી નાખી. માતાના જણાવ્યાં મુજબ 15 અને 17 વર્ષી બે દીકરીઓ સાથે તે બુધવારે ઘરની બહાર બેઠી હતી. થોડીવાર બાદ દીકરીઓને બહાર છોડીને તે કપડા નાખવા માટે ઘરની અંદર ગઈ અને તે સમયે બાઈક સવાર ત્રણ યુવક ત્યાં આવ્યા. ત્રણમાંથી બે અલગ અલગ યુવકોએ તેમની દીકરીઓને ઢસડી અને એક યુવકે બાઈક સ્ટાર્ટ કરી અને બંનેને લઈને ત્યાંથી ફરાર થઈ ગયા. થોડીવાર બાદ તેમણે જણાવ્યું કે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે અને મોતનું વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ ખબર પડી શકશે. પોલીસ આ મામલે તપાસમાં લાગી છે.