લેબટેક્નિશિયનના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજે મહારેલી….

0
100

લેબટેકનિશયન કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ભૂખ હડતાલ તેમજ પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો ચાલુ રાખવા છતાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કંઇપણ પગલાં લેવામાં આવ્યા નથી. ઉપરાંત કર્મચારીઓના હિતમાં કોઇ જ નિર્ણય લેવામાં નહી આવતા કર્મચારીઓ દ્વારા તારીખ 11મી, મંગળવારના રોજ રાજ્યભરના તમામ કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત રહીને મહારેલી કાઢવાનું એલાન ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનીશયન મહામંડળ દ્વારા કરાયું છે.

પેથોલોજી લેબોરેટરી ટેકનીશયન કર્મચારીઓના છેલ્લા પાંચેક વર્ષથી વણઉકેલ્યા પ્રશ્નો રહ્યા છે. જોકે પ્રશ્નો ઉકેલવા માટે અનેક વખતે લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોઇપણ પ્રકારનો નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. આથી લેબ ટેકનીશીયન કર્મચારીઓને આર્થિક અન્યાય થઇ રહ્યો છે. જોકે પેથોલોજી લેબોરેટરી ટેકનીશીયન કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હાલમાં ભૂખ હડતાલ તેમજ પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6 ખાતે કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા પેથોલોજી લેબોરેટરી ટેકનીશીયનના હિતમાં કોઇ જ પ્રકારનો નક્કર નિર્ણય લેવામાં નહી આવતા કર્મચારીઓમાં નારાજગી ઉઠી છે.