લોકપ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો 

0
50

ગાંધીનગર જિલ્લામાં લોકપ્રશ્નોના નિરાકરણ માટે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રજૂ થયેલા તમામ 14 પ્રશ્નોનું સફળ નિરાકરણ કરવામાં આવ્યું છે.

કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જમીન સંપાદન, પરિવહન, દબાણ, આકારણી વળતર અને ગેરકાયદેસર બાંધકામ જેવા વિવિધ મુદ્દાઓ સામે આવ્યા હતા. કલેક્ટરે દરેક અરજદારની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી અને સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સરકારના નિયમો મુજબ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા સૂચના આપી હતી. તેમણે તમામ વિભાગના અધિકારીઓને નિશ્ચિત સમયમર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ, નિવાસી અધિક કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટ, જમીન સંપાદન અધિકારી અર્જુનસિંહ વણઝારા, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા અને ટી.ડી.ઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.