વહીવટી તંત્ર એલર્ટ, હર્ષ સંઘવી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા

0
191

4 કલાક પહેલા જ ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત સહિત અનેક વિસ્તારમાં ડ્રોન દેખાયા છે અને ફાયરિંગની ઘટનાઓ પણ બની છે. જેને લઈને ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા છે. જયંતી રવિ સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે દોડી આવ્યા છે.ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાતને હજુ ગણતરીના કલાકો જ થયા છે, તેની વચ્ચે ફરી એક વખત પાકિસ્તાને તેની ઓકાત બતાવી દીધી છે અને જમ્મુ કાશ્મીર સહિત બોર્ડર પરના વિસ્તારોમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. ત્યારે કચ્છ સરહદે પણ ફરી ડ્રોન જોવા મળ્યા છે. કચ્છમાં 3 જેટલા ડ્રોન ઉડતા જોવા મળ્યા છે. કચ્છના હરામીનાળા સરહદી વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યા છે. હાલમાં ડ્રોન દેખાયા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.