ગાંધીનગરમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું હોય તેમ આજે પણ ગ્રામ્ય વિસ્તારમાંથી 9 કોરોનાના કેસો તેમજ કોર્પોરેશન વિસ્તારમાંથી 14 કોરોના કેસો મળી ને કુલ. 23 કેસો સરકારી દફતરે નોંધાયા છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લાં પાંચ દિવસમાં પુરુષની સરખામણીએ સ્ત્રીઓની કોરોના સંક્રમિત વધુ થઈ છે. આંકડાઓ પર નજર કરીએ તો પાંચ દિવસમાં સૌથી વધુ 29 સ્ત્રીઓ કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે મોટો ઉછાળો નોંધાઈ રહ્યો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર વખતે આજ રીતે કોરોના કેસો પ્રકાશમાં આવ્યા હતા. જે પછી અચાનક જ કોરોનાનો આંકડો ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. એજ રીતે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ હોય તેમ ડિસેમ્બર મહિનાથી ગાંધીનગરમાં સંક્રમણનું પ્રમાણ વધી જવા પામ્યું છે.
નવાઇની વાત તો એ છે કે, કોરોના પુરુષો કરતાં સ્ત્રીઓને વધારે સંક્રમિત કરી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસનાં આંકડા પર નજર કરીએ તો 28 મી ડિસેમ્બરે સેકટર – 2 ની 25 વર્ષીય યુવતી અને 59 વર્ષીય વૃદ્ધા તેમજ 29 મી ડિસેમ્બરે બોરીસણામાં પણ 26 અને 21 વર્ષીય કોરોના પોઝિટિવ આવી હતી. જ્યારે 30મી ડિસેમ્બરે આર્મી કેમ્પની 30 વર્ષીય મહિલા, કલોલની 29 વર્ષની મહિલા ઉપરાંત ગઈકાલે 31મી ડિસેમ્બરે શેરથાની 34 વર્ષની મહિલા તેમજ અદાણી શાંતિગ્રામની 49 વર્ષની મહિલા પણ કોરોના પોજીટીવ આવી હતી.
એજ રીતે ગઈકાલે શુક્રવારે કુડાસણની 33 વર્ષીય મહિલા અને 26 વર્ષની યુવતી, સેકટર – 22 ની 46 વર્ષીય મહિલા, સેકટર – 22 ની 18 વર્ષીય વિદ્યાર્થીની, રાયસણની 52 વર્ષની વૃદ્ધા, સેકટર – 8ની 52 વર્ષની વૃદ્ધા તેમજ સરગાસણની 21 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ આવી હતી. આમ ગઈકાલ સુધીમાં 15 જેટલી સ્ત્રીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.
એજ રીતે આજે ગાંધીનગરમાં સૌથી વધુ કોરોનાના કેસો 23 આવ્યાની સાથે સ્ત્રીઓ પણ સૌથી વધુ કોરોના સંક્રમિત થઈ છે. આજે અડાલજમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ એકસાથે 6 કેસો કોરોનાના મળી આવ્યા છે. જેમાં 24 વર્ષની યુવતી, 57 વર્ષની વૃદ્ધા, 55 વર્ષની વૃધ્ધા, 28 વર્ષની યુવતી તેમજ 62 વર્ષીય વૃદ્ધ અને 33 વર્ષીય યુવાન કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે કલોલના પાનસરની 24 વર્ષની યુવતી, કલોલનો 23 વર્ષનો યુવક અને દહેગામના સદગલપૂરનો 21 વર્ષનો યુવક પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આમ આજે ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ 9 કોરોના કેસો નોંધાયા છે.