વાવાઝોડામાં મિકી માઉસ રાઈડથી પટકાયેલી 5 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત

0
147

માણસા કલોલ રોડ પર ગેરકાયદેસર રીતે ચાલી રહેલા આનંદમેળામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. શ્યામલાલ છગનલાલ રાવળ દ્વારા વહીવટી મંજૂરી વિના 22 તારીખથી આનંદમેળો શરૂ કરવામાં આવ્યો હતો.

શનિવારની રાત્રે આનંદમેળામાં મિકી માઉસ બોન્ઝી ફુગ્ગામાં બાળકો રમી રહ્યા હતા. અચાનક આવેલા વાવાઝોડાને કારણે ફુગ્ગો હવામાં ફંગોળાયો હતો. આ દુર્ઘટનામાં બે બાળકીઓને ગંભીર ઈજાઓ થઈ હતી.

ઈજાગ્રસ્ત બાળકીઓમાં માણસાના સંકેતકુમાર પટેલની 5 વર્ષીય પુત્રી કાનવી અને ધોળાકુવા ગામના અક્ષયભાઈ પટેલની 4 વર્ષીય પુત્રી રાવ્યાનો સમાવેશ થાય છે. બંને બાળકીઓને તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવી હતી. જ્યાં કાનવીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

માણસા નાયબ મામલતદારે આનંદમેળાના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી શ્યામલાલને ઝડપી લીધો છે. કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મળ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. બાળકીના મૃત્યુ બાદ આરોપી વિરુદ્ધ સઅપરાધ મનુષ્યવધની કલમ ઉમેરવામાં આવી છે.