વિશ્વનાં સૌથી પ્રદૂષિત 50 શહેરોમાં ભારતનાં 39નો સમાવેશ

0
259

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત દેશોની યાદીમાં ભારત 2022 દરમિયાન આઠમાં ક્રમે રહ્યું છે. આ યાદીમાં અગાઉના વર્ષે ભારત પાંચમાં સ્થાને હતું. આ ઉપરાંત વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 50 શહેરોમાંથી 39 શહેરો ભારતના છે. સ્વીસ કંપની IQAirએ મંગળવારે જારી કરેલા વર્લ્ડ એર ક્વોલિટી રીપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતમાં પ્રદૂષણથી આશરે 150 અબજ ડોલરનું આર્થિક નુકસાન થાય છે. હવાનું પ્રદૂષણ (PM 2.5) ફેલાવામાં પરિવહન ક્ષેત્રનો હિસ્સો આશરે 20થી 36 ટકા છે. પ્રદૂષણોનો બીજો મોટો સ્રોત ઉદ્યોગિક એકમો, કોલસાથી ચાલતા વીજળી પ્લાન્ટ બાયોમાસ બર્નિંગ છે.

વિશ્વના ટોચના 10 સૌથી પ્રદૂષિત દેશોમાં ચાડ, ઇરાક, પાકિસ્તાન, બહેરીન, બાંગ્લાદેશ, બુર્કિના ફાસો, કુવૈત, ભારત, ઇજિપ્ત અને તાજિકિસ્તાનનો સમાવેશ થાય છે, જ્યારે ઓસ્ટ્રેલિયા, ઇસ્ટોનિયા, ફિનલેન્ડ, ગ્રેનેડા, આઇસલેન્ડ અને ન્યુઝીલેન્ડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) PM2.5 ની માર્ગદર્શિકાનું પાલન કરે છે. વિશ્વના કુલ 131 દેશોના સરકારી અથવા બિનસરકારી 30,000 મોનિટર્સના ડેટાને આધારે આ યાદી તૈયાર કરાઈ છે.

નેશનલ કેપિટલના રિજનના નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો જોવાયો છે. જો ગયા વર્ષોમાં નોંધાયેલા સરેરાશ PM2.5 સ્તરની સરખામણી કરવામાં આવે તો ગુરુગ્રામમાં 34 ટકા અને ફરીદાબાદમાં 21 ટકાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં આઠ ટકાનો ઘટાડો જોવાયો છે.વિશ્વભરમાં હવાની ખરાબ ગુણવત્તાથી દર વર્ષે 60 લાખથી વધુ મૃત્યુ પામે છે.