શહેરમાં મોટા અવાજવાળા સીરીઝ ફટાકડા પર પ્રતિબંધ

0
585

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વાયુ પ્રદૂષણ અને ઘન કચરાની સમસ્યાને નિયંત્રિત કરવા ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ફોડવા અંગેના દિશા-નિર્દેશોનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત મોટા અવાજવાળા ‘સીરીઝ’ (લૂમ) પ્રકારના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધની સાથે માત્ર લાયસન્સ ધારકોએ જ ફટાકડાનું વેચાણ કરવાનો આદેશ છે. જોકે તેમ છતા ગાંધીનગરમાં જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશોનું ઉલ્લઘન થઈ રહ્યાંના દૃશ્યો જોવા મળી રહ્યા છે.

ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ
ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ફોડવા અંગેના દિશા-નિર્દેશોનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, હવામાં વધુ પ્રમાણમાં પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા, મોટા અવાજવાળા ‘સીરીઝ’ (લૂમ) પ્રકારના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને, ગ્રીન ક્રેકર્સ અને ઓછા એમિશન ઉત્પન્ન કરતા માન્યતા પ્રાપ્ત ફટાકડા સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે
ઉપરાંત વેપારીઓને આવા પ્રતિબંધિત ફટાકડાનું વેચાણ ન કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પ્રદૂષણ નિયંત્રણ હેતુથી ફટાકડા ફોડવા માટેનો સમય માત્ર રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો જ નિશ્ચિત કરવામાં આવ્યો છે. જોકે, હકીકત એ છે કે મોડી રાત સુધી ફટાકડા ફૂટતા હોય છે, છતાં જાહેરનામાનું કડક પાલન કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

લાયસન્સ ધારકો જ ફટાકડાનું વેચાણ કરી શકશે
બીજી તરફ ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરી શકાશે. જોકે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હંગામી લાયસન્સ માટે અરજીઓ મંગાવવામાં આવી તે પહેલાં જ શહેરના અનેક ખૂણાઓમાં લારીઓ પર ફટાકડાનું અનઅધિકૃત વેચાણ શરૂ થઈ ગયું હોવાનું પણ એક હકીકત છે. નિયમો મુજબ ફક્ત તે જ ફટાકડા વેચી કે ફોડી શકાશે, જેના બોક્સ પર ‘PESO’ (પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન) ની સૂચના પ્રમાણેનું માર્કિંગ હોય.