શિક્ષકોની ખાલી જગ્યાઓ ઉપર કાયમીના બદલે કરાર આધારીત જ્ઞાાન સહાયકની ભરતીનો વિરોધ

0
279

રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર સરકારે કાયમી ભરતીના બદલે ૧૧ મહિનાના કરારના ધોરણે જ્ઞાાન સહાયક તરીકે ભરતી શરૃ કરતાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનો વિરોધ વકર્યો છે. મંગળવારે પાટનગરમાં શિક્ષણ વિભાગની કચેરી પર ઉમટેલા ઉમેદવારોએ સરકાર અત્યાચર કરે તો પણ વિરોધ ચાલુ રાખીને હક્ક મેળવીને રહીશું તેવી વાત કરી હતી. જોકે પહેલેથી જ હાજર પોલીસ સાથે ઘર્ષણ થતાં પોલીસે દેખાવકારોની અટકાયત કરાઇ હતી.
પાટનગરમાં ઉમટી પડેલા ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર તથા શિક્ષણ વિભાગ વિરોધી નારા લગાવવા સાથે દેખાવો કર્યા હતાં. આ દરમિયાન ઉમેદવારો પોલીસ સાથે ઘર્ષણ કરવા પર ઉતરી આવ્યા હતાં. જેના પગલે ત્રણ ઉમેદવારો ઇજાગ્રસ્ત પણ બન્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસની સખ્તાઇના કારણે મહિલા ઉમેદવારો તો રીતસરની રડી પડી હતી. નોંધવું રહેશે કે ગત તારીખ ૯મીએ આ મુદ્દે દેખાવ યોજવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આગામી દિવસોમાં વિધાનસભાને ઘેરાવ કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. દરમિયાન મંગળવારે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ઉમેદવારોને શાંતી જાળવવાની અપિલ કરવામાં આવી ત્યારે તેઓ ધરણા કરવા બેસી ગયા હતાં અને જોરશોરથી સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતાં. પોલીસ દ્વારા તેમને સમજાવવા અને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં સફળતા નહીં મળતા મામલો વધુ બિચકવાના પગલે આખરે મહિલા સહિત પોલીસ દ્વારા ટીંગાટોળીને કરીને ઉમેદવાર યુવક યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી.સરકાર વિરોધી ભારે સુત્રોચ્ચાર કરવા સાથે ધરણા પર બેસી ગયેલા ઉમેદવારોને અટકાયતમાં લેવા પોલીસ દ્વારા સમજ આપવામાં આવી હતી. પરંતુ અન્યાય સામેની લડત હોવાનું જણાવીને ઉમેદવારોએ સુત્રોચ્ચાર ચાલુ રાખતા પોલીસ દ્વારા તેઓને ઢસડવા જેવી સ્થિતિમાં ટીંગાટોળી કરીને પોલીસના ડબ્બામાં બેસાડવાનો પ્રાયસ શરૃ કરવામાં આવતાં મહિલા ઉમેદવારો રડી પડી હતી અને કહ્યુ હતું, કે અમે કંઇ આતંકવાદીઓ છીએ, કે સરકાર દ્વારા અમારી સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેઓએ આ સાથે જ્યાં સુધી હક્ક ન મળે ત્યાં સુધી લડત આપવા જણાવ્યુ હતું.