સમગ્ર દેશમાં આજથી 3 નવા કાયદા લાગૂ….

0
34

દેશમાં બ્રિટિશ યુગના ફોજદારી કાયદાનો સોમવારે અંત આવશે અને તેની જગ્યાએ વ્યાપક ફેરફારો સાથેની ભારતીય ફોજદારી ન્યાય પ્રણાલીનો અમલ થશે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષી ધારો અનુક્રમે બ્રિટિશ-યુગના ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા ધારાનું સ્થાન લેશે.

નવા કાયદાઓ સાથે આધુનિક ન્યાય પ્રણાલી આવશે, તેમાં ઝીરો એફઆઈઆર, પોલીસ ફરિયાદોની ઓનલાઈન નોંધણી, એસએમએસ જેવા ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા સમન્સ અને તમામ જઘન્ય ગુનાઓ માટે ગુનાના દ્રશ્યોની ફરજિયાત વીડિયોગ્રાફી જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે. નવા કાયદામાં કેટલીક વર્તમાન સામાજિક વાસ્તવિકતાઓ અને ગુનાઓને ધ્યાનમાં રખાયા છે અને બંધારણમાં સમાવિષ્ટ આદર્શોને ધ્યાનમાં રાખીને અસરકારક રીતે તેનો સામનો કરવા માટે એક વ્યવસ્થાતંત્રની જોગવાઈ છે.

નવા કાયદા અનુસાર ફોજદારી કેસોમાં ટ્રાયલ પૂર્ણ થયાના 45 દિવસમાં ચુકાદો આવશે અને પ્રથમ સુનાવણીના 60 દિવસમાં આરોપો ઘડવામાં આવશે. બળાત્કાર પીડિતાનું નિવેદન મહિલા પોલીસ અધિકારી દ્વારા તેના વાલી અથવા સંબંધીની હાજરીમાં નોંધવામાં આવશે અને સાત દિવસમાં મેડિકલ રિપોર્ટ આપવાનો રહેશે.

સંગઠિત ગુનાઓ અને આતંકવાદના કૃત્યોને વ્યાખ્યાયિત કરાયા છે. રાજદ્રોહમા જગ્યાએ દેશદ્રોહ શબ્દનો ઉલ્લેખ કરાયો છે. તમામ સર્ચ કાર્યવાહી અને જપ્તીનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ પર એક નવા ચેપ્ટરનો સમાવેશ કરાયો છે. કોઈપણ બાળકની ખરીદી અને વેચાણને જઘન્ય અપરાધ બનાવવામાં આવ્યો છે અને સગીર સાથે ગેંગરેપ માટે મૃત્યુદંડ અથવા આજીવન કેદની જોગવાઈ છે. નવા કાયદામાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ, હત્યા અને રાજ્ય વિરુદ્ધના ગુનાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.