રાજ્યમાં કોરોનાના અત્યાર સુધી(5 એપ્રિલ) 122 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે 11ના મોત થઈ ગયા છે. રાજ્યની પ્રવર્તમાન સ્થિતિમાં પોતાનો જીવ અને આરોગ્ય જોખમમાં મૂકીને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવાના અધિકારીઓ કર્મીઓ માટે ફરજ દરમિયાન કોરોનાને કારણે મોત થાય તો રૂ.25 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આજે મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓમાં કાર્યરત સફાઈ કર્મીઓ અને આરોગ્ય સેવા કર્મીઓનું આ કોરોનાનો ભોગ બનવાથી અવસાન થાય તો તેવા કર્મીઓને પણ રૂ.25 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ મુખ્યમંત્રી રૂપાણીએ જાહેર કર્યું કે આ વિપરિત સ્થિતિમાં ફરજરત મહેસૂલ વિભાગના અધિકારીઓ કર્મચારીઓને પણ જો ફરજ દરમ્યાન કોરોનાની બીમારીથી જીવ ગુમાવવાનો વારો આવે તો તેમને પણ રૂ. 25 લાખની સહાય અપાશે.