સિદ્ધુ મુસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ કસ્ટડીમાં: ગોલ્ડી બ્રારની કેલિફોર્નિયામાં અટકાયત

0
205

પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala)ની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રાર (Goldy Brar)ને શોધી કાઢવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોલ્ડીને કેલિફોર્નિયામાં ટ્રેક કરવામાં આવ્યો છે. મીડિયા અહેવાલોમાં ભારતીય સુરક્ષા એજન્સીઓના સૂત્રોને ટાંકીને આ સમાચાર આપવામાં આવ્યા છે. અમેરિકામાં એફબીઆઈએ ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર પર નજર રાખવાનું શરૂ કર્યું છે, આ માટે ભારતીય એજન્સીઓ પાસેથી તેની ફાઇલ પણ માગવામાં આવી છે, જે બાદ તેની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે. સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ ગોલ્ડી બ્રારે તેની જવાબદારી લીધી હતી. જોકે, હજુ સુધી ગોલ્ડીને પકડવા અંગેની સત્તાવાર માહિતી સામે આવી નથી.ગોલ્ડી બ્રાર છેલ્લા ઘણા સમયથી કેનેડામાં બેસીને અનેક ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યો છે. કેનેડાથી જ તે ભારતમાં હત્યા અને દાણચોરીનું કામ કરે છે. આ માટે તેને લાખો રૂપિયા મળે છે. તેણે સિદ્ધુ મુસેવાલાની હત્યા પણ વિદેશમાં બેસીને તેના સાગરિતો પાસે કરાવી હતી, જે બાદ તે અમેરિકા ભાગી ગયો હતો. મુસેવાલાની હત્યા અંગે ગોલ્ડી બ્રાર વતી એક વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં તેણે કબૂલાત કરી હતી કે મુસેવાલાને તેની સૂચના પર ગોળી મારવામાં આવી હતી.