પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિધૂએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને મોટા ભાઈ કહીને સંબોધન કર્યું હતું. કરતારપુર સાહિબની મુલાકાતે પહોંચેલા પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતાએ આ નિવેદન કર્યું હતું. હવે ભાજપે આ મામલે સિધૂને આડેહાથ લીધા છે અને તેના નિવેદનને વખોડ્યું છે. ભાજપે સિધૂ પર નિશાન તાકતા જણાવ્યું કે, વિપક્ષને હિન્દુત્વમાં આઈએસ અને બોકો હરામ જેવા આતંકી જૂથો દેખાય છે અને હવે તેમને ઈમરાન ખાનમાં ‘ભાઈ જાન’ દેખાય છે.
સિધૂનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં પાકિસ્તાનના અધિકારી તેમનું સ્વાગત કરતા જણાય છે અને કોંગ્રેસના નેતા આ અધિકારીને એવું કહેતા સાંભળવા મળે છે કે, ઈમરાન ખાન મારા મોટા ભાઈ જેવા છે અને હું તેમને પ્રેમ કરું છું.
ભાજપના પ્રવક્તા સંબિતા પાત્રાએ જણાવ્યું કે, ભારત માટે આ ચિંતાનો વિષય છે. તેમના મતે દેશ વિરુદ્ધ નોંધપાત્ર નિવેદનો કરવામાં આવે છે અને સિધૂનું આ નિવેદન અન્ય કોંગ્રેસના નેતાઓએ કરેલા નિવેદનો સાથે જોડાયેલું છે. રાહુલ ગાંધીએ પણ અગાઉ હિન્દુત્વની ટિકા કરી હતી. પાત્રાએ કોંગ્રેસના નેતા સલમાન ખુર્શિદના તાજેતરના નિવેદનને ટાંકીને જણાવ્યું કે, કોંગ્રેસને પહેલા હિન્દુત્વ આઈએસ અને બોકો હરામ જેવા આતંકી જૂથો જેવું લાગે છે અને હવે ખાનને ભાઈ જાન ગણાવે છે.