સીએમની તાકીદ પછી તંત્ર દોડ્યું, મ્યુનિ. કમિશનરે રસ્તાના કામની ગુણવત્તા ચકાસી

0
263

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાલી રહેલી રસ્તાની કામગીરી મામલે તકેદારી રાખવા અને ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવા માટે કરવામાં આવેલી તાકીદ અને પ્રોગ્રેસ રીપોર્ટ માંગ્યા બાદ મહાનગરપાલિકા તંત્ર દોડતું થઇ ગયું છે. અત્યારસુધી કાચબાગતિએ ચાલતી કામગીરીમાં 24 કલાકમાં ઝડપ લાવી દેવામાં આવી છે. ખુદ મ્યુનિસિપલ કમિશનરે પણ વિવિધ વિસ્તારમાં ચાલતા કામોની મુલાકાત લઇને સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં ગાંધીનગરના નાગરિકોના હિતમાં સ્પષ્ટપણે સૂચન કર્યું હતું કે, શહેરના રોડ-રસ્તા અંગેની તમામ કામગીરી આગામી નવેમ્બર અને ડિસેમ્બર-2025 સુધીમાં યુદ્ધના ધોરણે ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરી દેવામાં આવે. આ બેઠકમાં ગુણવત્તા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સૂચનાના પગલે, મહાનગરપાલિકા દ્વારા હવે કામગીરીની ગુણવત્તા અને સમયપાલન પર વિશેષ ભાર મૂકવામાં આવશે. કામગીરીનું સતત મૂલ્યાંકન અને દેખરેખ થાય તે સુનિશ્ચિત કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનરો તમામ વિસ્તારોમાં સ્થળ તપાસ કરશે. આ અધિકારીઓ અને પદાધિકારીઓ કામગીરીની ગુણવત્તા જળવાય છે કે કેમ અને તે સમયસર પૂર્ણ થાય છે કે કેમ, તેનું સઘન મૂલ્યાંકન કરશે અને સતત દેખરેખ રાખશે.

આ ઉપરાંત, મુખ્યમંત્રીએ ગુણવત્તાસભર કામગીરી માટે એજન્સીઓના પ્રદર્શન આધારિત મૂલ્યાંકનની પણ વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપી હતી. જે એજન્સીઓ દ્વારા ઉત્તમ અને ગુણવત્તાસભર કામગીરી કરવામાં આવે, તેમને પ્રોત્સાહિત કરીને વધુ કામ સોંપવામાં આવશે. જ્યારે, કામ ન કરનારી અથવા નબળી ગુણવત્તાનું કામ કરનારી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા કે ઇમપેનલ્ડમાંથી દૂર કરવા જેવા કડક પગલાં લેવામાં આવશે. નાગરિકોને સૌથી વધુ ઉપયોગી એવા મુખ્ય માર્ગો તેમજ વધુ ઘસારો ધરાવતા રસ્તાઓની કામગીરીને મહાપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પ્રાથમિકતા આપવામાં આવશે. શુક્રવારે મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા દ્વારા નાયબ મ્યુનિસિપલ કમિશનર અને સિટી ઈજનેરની ટીમ સાથે સ્થળ મુલાકાત લઈ તેનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરાયું હતું.