ગાંધીનગર શહેરમાં વિકાસની આડમાં જે પ્રકારે વૃક્ષોનું છેદન થઇ રહ્યું છે તેના પગલે શહેરની હરિયાળી પણ કરમાઇ રહી છે. ત્યારે સેક્ટર-રરમાં સોસાયટીની વચ્ચે આવેલાં બગીચાના રીનોવેશનની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના પગલે આ બગીચામાં આવેલાં વર્ષો જુના વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. જેની સામે પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ પ્રગટ કર્યો છે.
રાજ્યનું હરિયાળું પાટનગર દિનપ્રતિદિન વૃક્ષછેદનની પ્રવૃત્તિ વધી રહી છે તેના પગલે શહેરની હરિયાળીને પણ નુકશાન થઇ રહ્યું છે અને કરમાઇ રહી છે. તંત્ર દ્વારા આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢીને જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે તેના પગલે પર્યાવરણ પ્રેમીઓમાં પણ ભારે રોષ ઉભો થયો છે. શહેરમાં હાલ બગીચાના નવીનિકરણની કામગીરી ચાલી રહી છે.
જેના પગલે વર્ષો અગાઉ બનાવવામાં આવેલાં બગીચામાં જુના વૃક્ષો છે. તેનું પણ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. શહેરના સેક્ટર-રરમાં શ્રેયસ સોસાયટીમાં આવેલાં બગીચાને પણ રીનોવેશનની કામગીરી અંતર્ગત મુકવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે. આ બગીચામાં આવેલાં વર્ષો જુના વૃક્ષો કે જે બાગની ઓળખ બન્યા હતા. તેને દુર કરવામાં આવી રહ્યાં છે. નડતરરૂપ ન હોવા છતાં જે પ્રકારે છેદન કરવામાં આવી રહ્યાં છે.તેની સામે સ્થાનિક રહિશોએ પણ વિરોધ પ્રગટ કર્યો છે.
બગીચાની આસપાસ આવેલા વસાહતી વિસ્તારના લોકો દરરોજ બાગની મુલાકાત લઇને આનંદ પ્રમોદ પ્રાપ્ત કરી રહ્યાં છે ત્યારે વર્ષો જુના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતાં રહિશો સહિત પર્યાવરણ પ્રેમીઓમાં પણ તંત્રની આ કામગીરી સામે ભારે રોષ ઉભો થયો છે. વિકાસની કામગીરી અંતર્ગત જે પ્રકારે વૃક્ષછેદન કરવામાં આવી રહ્યું છે. તેના પગલે ગાંધીનગર શહેરની હરિયાળી પોતાની ઓળખ ગુમાવે તેમાં બેમત નથી.જેથી તંત્ર દ્વારા સત્વરે આ બગીચામાં થઇ રહેલાં વૃક્ષછેદનને અટકાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.