સેક્ટર-૧ના બગીચામાં કુત્રિમ તળાવમાં ડૂબી જવાથી બાળકનું મોત….

0
429

ગાંધીનગર શહેરમાં હાલ છેલ્લા ઘણા સમયથી નાગરિકો કોર્પોરેશનની કામગીરીથી નારાજ છે અને સેક્ટરોમાં સર્જાયેલી સ્થિતિને પગલે ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ દ્વારા કોર્પોરેશન તંત્રને ઠમઠોરવામાં આવ્યું હતું પરંતુ તંત્ર હજી સુધરવા જ ના માંગતું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૃપિયાના ખર્ચે વિવિધ બ્યુટીફિકેશનના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત ચ-૦ સર્કલની આસપાસ ખૂણાઓ ઉપર બગીચા સાથેના કુત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા આવી રહ્યા છે. જે માટે કરોડો રૃપિયાનું કામ નીલકંઠ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને આપવામાં આવ્યું છે. સેક્ટર ૧ના ખૂણા ઉપર આ એજન્સી દ્વારા છેલ્લા ઘણા સમયથી કામગીરી શરૃ કરવામાં આવી છે અને અહીં કુત્રિમ તળાવ તૈયાર કરી દેવામાં આવ્યુ છે જ્યાં કોઈ જ સુરક્ષાના સાધનો રાખવામાં આવ્યા ન હતા અને સિક્યુરિટી ગાર્ડ પણ હાજર ન હતા. આ સ્થિતિ વચ્ચે ગઈકાલે સેક્ટર ૧માં રહેતા બાળકો અહીં રમવા માટે પહોંચ્યા હતા. જે પૈકી સાત વર્ષીય બાળક કુલદીપ ગફુરભાઈ ભરવાડ લાપતા થઈ ગયો હતો અને પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૃ કરવામાં આવી હતી પરંતુ મોડી સાંજ સુધી તેનો પતો નહીં લાગતા સેક્ટર ૭ પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે આજે સવારે બાળકોએ કહ્યું હતું કે, કુલદીપ આ તળાવ પાસે રમી રહ્યો હતો અને ફાયર બ્રિગેડને બોલાવીને તપાસ કરતા તેનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં કોર્પોરેશન તંત્રની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠયો છે. કરોડો રૃપિયાનો ખર્ચ કરતું કોર્પોરેશન એક સિક્યુરિટી ગાર્ડ નહીં મૂકી શકતા આ સ્થિતિ સર્જાઇ હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે હાલ જવાબદારો સામે કાર્યવાહી થશે તેવું રટણ રટવામાં આવી રહ્યું છે.