પાટનગરમાં સોમવારે કોરોના પોઝિટીવ 6 કેસ મળ્યા બાદ બીજા દિવસ મંગળવારે વધુ 5 કેસ મળ્યાં છે અને નવા તમામ દર્દીનું અમદાવાદ કનેક્શન બહાર આવ્યું છે. સેક્ટર 3ના પરિવારમાં મહિલાના પતિ અને પુત્ર બાદ હવે પૌત્ર પોઝિટીવ બન્યો છે. અમદાવાદમાં કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા અને સેક્ટર 8માં રહેતા આયુષ મહિલા તબીબ અને દાણીલીમડા રહેતા અને બિમાર જણાતા સોમવારે જ સેક્ટર 2માં પુત્રના ઘરે આવેલા વૃદ્ધાનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ઝુંડાલ રહેતા અને અમદાવાદમાં ઘાડલોડિયા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ પોઝિટીવ થયાં બાદ ક્વોરન્ટાઇન કરાયેલા તેમના પુત્રવધૂ અને રાંધેજા રહેતા તથા એપીએમસીમાં સેક્રેટરી અને પોઝિટીવ આવેલા યુવાનના સગર્ભા પત્ની પણ પોઝિટીવ જાહેર થવા સાથે મહાપાલિકા વિસ્તારમાં 19 અને ગ્રામ્યમાં 17 મળીને કુલ 34 પોઝિટીવ કેસ થઇ ચૂક્યા છે. મંગળવારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સેક્ટર 2 અને સેક્ટર 8માં પણ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે, જ્યાં અવર જવર પ્રતિબંધિત રહે તેના માટે પોલીસ પોઇન્ટ મુકી દેવાયા છે.