ગુજરાતના મૂળ રહેવાસી અને નેપાળ, હરિદ્વાર જેવા સ્થળોએ પ્રવાસે ગયેલા અને ત્યાં સ્થગિત થઇ ગયેલા ૧૮૦૦ થી વધુ યાત્રાળુઓને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવએ આ વિગતો આપતાં કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને કેમિકલ ફર્ટિલાઇઝર રાજ્ય મંત્રી મનસુખ માંડવીયા તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સંનિષ્ઠ દરમિયાનગીરીથી આ યાત્રાળુ-મુસાફરોને ૨૮ જેટલી ખાસ બસો મારફત ગુજરાત પરત લાવવામાં આવી રહ્યા છે. સુરત-વડોદરા-રાજકોટ-ભાવનગર-જામનગર-ખેડા અને આણંદ જિલ્લાઓના આ યાત્રાળુ-મુસાફરો રાજ્યની સરહદમાં અરવલ્લી જિલ્લામાં પ્રવેશે ત્યારે તે તમામનું હેલ્થ ચેક અપ કરીને તેમના જમવા તેમજ અન્ય વ્યવસ્થાઓ કરી તે મુસાફરોને પોતાના ગામ-નગર-શહેર પહોચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે, લોકડાઉનની આ સ્થિતીમાં રાજ્યભરમાં ઊદ્યોગો-કારખાનાઓ બંધ છે ત્યારે તેમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો-કામદારો તથા ગુજરાતના અંતરિયાળ વિસ્તારના આવા કારીગરો તેમના વતન જવા પગે ચાલીને નીકળી પડયા છે.મુખ્યમંત્રીશ્રીએ આવા શ્રમિકોને પગે ચાલીને વતન ભણી ન જવા અપિલ પણ કરી છે. શ્રી વિજયભાઇ રૂપાણીના ધ્યાને એ બાબત આવી હતી કે શુક્રવારે રાત્રે રાજ્યના જુદા જુદા હાઇ-વે પર આવા આશરે ૧૦ હજારથી વધુ શ્રમિકો પગપાળા જઇ રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ શ્રમજીવીઓ પ્રત્યે માનવીય સંવેદના દર્શાવી સંબંધિત જિલ્લાતંત્રને મદદરૂપ થવા તાકીદ કરી અને તેના પરિણામે આ શ્રમિકોને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અન્ય વનબંધુ જિલ્લાઓમાં વાહનો દ્વારા પહોચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ હવે કોઇજ આવા શ્રમિકો કે કારીગરો પોતાના વતન કે ગામ ન જાય અને હાલની સ્થિતીમાં સુરક્ષિત રહેવા જ્યાં છે ત્યાં જ રહે તેવી અપિલ પણ કરી હતી. તેમણે ઉમેર્યુ કે રાજ્યમાં આવા શ્રમિકો-કારીગરો અને જરૂરતમંદ વ્યકિતઓ માટે જિલ્લા વહિવટીતંત્ર અને સ્વૈચ્છિક સેવા સંગઠનો ફૂડપેકેટ તૈયાર કરીને તેનું વિતરણ સેવાભાવે કરે છે તેમાં અત્યાર સુધીમાં રાજ્યમાં ર લાખ ૮ર હજાર ફૂડપેકેટ વિતરીત કરવામાં આવ્યા છે. અશ્વિનીકુમારે રાજ્યમાં શાકભાજી, દૂધ વગેરે આવશ્યક ચીજવસ્તુઓ પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે તેની વિગતો આપી હતી.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શનિવારે રાજ્યમાં રપપ લાખ લીટર દુધની આવક થઇ છે અને ૪ર.૪૦ લાખ લીટર દૂધ પાઉચ વિતરણ થયું છે. ટ્રેટાપેકમાં ૪૦ હજાર લીટર દૂધનું વેચાણ થયું છે. રાજ્યમાં શનિવારે બધી જ એટલે કે ૭ર હોલસેલ શાકમાર્કેટ કાર્યરત રહી છે તેની પણ શ્રી અશ્વિનીકુમારે વિગતો આપી હતી. તેમણે ઉમેર્યુ કે, શાકભાજીની આવકમાં પણ શુક્રવારની ૮પ હજાર ૧૧૩ કવીન્ટલની આવક સામે ૪પ હજાર કવીન્ટલ વધુ એટલે કે ૧ લાખ ર૯ હજાર ૯૦ કવીન્ટલ શાકભાજી શનિવારે વધારે આવી છે.