હરિયાણાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત મળી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી પછી મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે અગ્નિપરીક્ષા જેવી હતી, જેમાં કોંગ્રેસનો ફરી એક વાર ભૂંડો પરાજય થયો છે. રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ હરિયાણાની કુલ 10 મહાનગરપાલિકામાંથી 9માં ભાજપની જીત થઈ છે. જ્યારે માનેસર મહાનગરપાલિકામાં અપક્ષના મેયર ઉમેદવાર ડો.ઈન્દ્રજીત યાદવની જીત થઈ છે. કોંગ્રેસને 10માંથી એક પણ મહાનગરપાલિકામાં મેયરનું પદ મળ્યું નથી. આ ઉપરાંત, 21 નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે.
સોનીપત, પાનીપત, ગુરુગ્રામથી લઈને ફરિદાબાદ સુધીમાં ભાજપની જોરદાર જીત થઈ છે. અહીંયા સુધી કે જુલાના નગરપાલિકાના ચેરમેનનું પદ પણ ભાજપ હાંસલ કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે જુલાના વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિનેશ ફોગાટ છે. રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના નેતા નાયબસિંહ સૈનીએ કહ્યું કે મોદીજી અને હરિયાણા સરકારની નીતિઓ પર લોકોએ ફરી એક વાર મહોર લગાવી છે. હવે ટ્રિપલ એન્જિનની સરકાર આખા રાજ્યમાં વિકાસના કામો કરશે.