હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા સાથે સ્વતંત્રતા દિવસ ઉજવાશે

0
758

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 15 ઓગસ્ટ સુધી ત્રણ તબક્કામાં જિલ્લામાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી’ની થીમ ઉપર ઉજવણી કરવામાં આવશે. આ વર્ષની થીમ મુજબ સ્વતંત્રતાની સાથે સ્વચ્છતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તમામ કાર્યક્રમો થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવના વધુ મજબૂત બને તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.

2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ત્રણ તબક્કામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ઉજવણી કરવા વિવિધ વિભાગો દ્વારા અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો એટલે કે 2 થી 8 ઓગસ્ટ દરમિયાન રાખડી બનાવવાનો વર્કશોપ અને સ્પર્ધાઓ, ભીંત ચિત્રકામ (વોલ પેઇન્ટિંગ), ગામ અને શહેર સ્તરે રંગોળી સ્પર્ધા, તિરંગા ક્વીઝ, પત્ર લેખન અભિયાન અને પ્રશ્નોતરી સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

બીજો તબક્કો એટલે કે તા. 9 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન સામુદાયિક સફાઈ અભિયાન, તિરંગા યાત્રા અને રેલીઓ તેમજ માળખાકીય સ્વચ્છતા દિન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે અંતિમ અને ત્રીજો તબક્કો કે જે તા. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચાલશે, સ્વચ્છતા સંવાદ અને જાગૃતિ દિવસ, તિરંગા સાથે સેલ્ફી અભિયાન, ઘર અને ઓફિસ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવો, સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી જેવા કાર્યક્રમો યોજાશે.

નાગરિકોને એકતાની ભાવના સાથે જોડવાનો પ્રયાસ કરાશે. વહીવટી તંત્રે અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે.