એલપીજી સિલિન્ડર્સ ટૂંક સમયમાં ક્યુઆર કોડ્સની સાથે આવશે. કેન્દ્રીય પેટ્રોલિયમપ્રધાન હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી હતી. કોડ આધારિત આ ટ્રૅક અને ટ્રેસ પહેલથી સિલિન્ડરમાંથી ગૅસની ચોરીની સમસ્યા ઉકેલવામાં મદદ મળશે તેમ જ એની સાથે જ સિલિન્ડર સંબંધિત તમામ જાણકારી મિનિટોમાં જ મળી જશે. પેટ્રોલિયમપ્રધાને તેમના ટ્વિટર અકાઉન્ટ પર એક વિડિયો શૅર કરીને કૅપ્શનમાં જણાવ્યું હતું કે નોંધપાત્ર ઇનોવેશન. આ ક્યુઆર કોડને હાલનાં સિલિન્ડર્સ પર પેસ્ટ કરવામાં આવશે અને નવાં સિલિન્ડર્સ પર પણ લગાવાશે. સિલિન્ડર્સમાંથી ગૅસની ચોરી, ગૅસ સિલિન્ડર્સને ટ્રૅક અને ટ્રેસ કરવા સહિત અનેક સમસ્યાનો ઉકેલ લાવવાની એમાં ક્ષમતા છે. આ વિડિયો ઉત્તર પ્રદેશમાં આયોજિત વર્લ્ડ એલપીજી વીક ૨૦૨૨ કાર્યક્રમ દરમ્યાનનો છે, જેમાં પુરી આ વિચારને અમલમાં મૂકવો શક્ય છે કે નહીં એના વિશે અધિકારીઓને સવાલ કરી રહ્યા છે. હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ૧૪.૨ કિલોનાં ઘરેલુ ગૅસ સિલિન્ડરો પર ક્યુઆર કોડ લગાડવામાં આવી રહ્યા છે. પહેલાં તબક્કામાં ક્યુઆર કોડની સાથે એમ્બેડેડ ૨૦,૦૦૦ એલપીજી સિલિન્ડર્સ ઇશ્યુ કરવામાં આવ્યાં છે. આગામી ત્રણ મહિનામાં તમામ ઘરેલુ એલપીજી સિલિન્ડર્સ પર ક્યુઆર કોડ લગાડવામાં આવશે.