સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સની સુરક્ષા મેળવનારા દરેક વીવીઆઈપીને હવેથી આ વિશેષ સુરક્ષા કવરના તમામ નિયમોનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારે ચુકાદો સંભળાવતા કહ્યું કે જેને પણ આ સુરક્ષા કવચ મળેલું છે તેમણે હંમેશા અને દરેક સ્થળે એસપીજીની ટીમને પોતાની સાથે જ રાખવી પડશે, પછી ભલે તેઓ વિદેશ પ્રવાસ પર જ કેમ ન જતા હોય. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત આ દેશમાં ગાંધી પરિવારના ત્રણ સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જ આ સુરક્ષા કવચ મળેલું છે.
કોગ્રેસ પાર્ટી આ આદેશને ગાંધી પરિવાર પર સરકારી દેખરેખ રાખવાની વાત સાથે જોડી રહી છે. કોંગ્રેસ પ્રવક્તા બ્રિજેશ કલપ્પાએ આ મામલે નિવેદન આપ્યું છે કે આ ગાંધી પરિવાર પર સીધે સધી નજર રાખવાના હેતુસર અપાયેલો જ ચુકાદો છે. ગાંધી પરિવારના સભ્યો વિદેશમાં ક્યાં જાય છે કોને મળે છે તેના પર ચાંપતી નજર રાખવા માટે જ વિદેશમાં પણ એસપીજીની ટીમને સાથે રાખવા માટેનો આદેશ અપાયો હોવાનો કોંગ્રેસ પાર્ટીનો આરોપ છે.
કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપ સાથે જોડાયેલા દિગ્ગજ નેતા ટોમ વડક્કને કહ્યું કે વીવીઆઈપી લોકોની સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે તેથી જો વિદેશમાં જઈને તેમની સાથે કોઈ દુર્ઘટના ઘટી જાય તો તેના માટે જવાબદાર તો અંતમાં કેન્દ્ર સરકારને જ ગણવામાં આવે ને, તેથી વીવીઆઈપીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વડક્કને કહ્યું કે વીવીઆઈપીને છૂટ છે તેમને જ્યાં જવું હોય ત્યાં જાય પરંતુ એસપીજીની ટીમને સાથે લઈને. વીવીઆઈપીને દરેક જગ્યાએ અને દરેક ક્ષણે સુરક્ષા પૂરુ પાડવાનું કામ કેન્દ્ર સરકારનું હોય છે. તેમનો હેતું છે કે વીવીઆઈપીને 24*7 સુરક્ષા આપવાનો છે. સરકારનો હેતુ કોઈની અંગતતાનો ભંગ કરવાનો જરા પણ નથી. તેમને (ગાંધી પરિવારના સભ્યોને) જ્યાં જવું હોય ત્યાં જવા માટે તેઓ સ્વતંત્ર છે પરંતુ જો તેમને ક્યાંક કંઈ થઈ ગયું તો તેઓ તેના માટે તો કેન્દ્ર સરકારને જ જવાબદાર ગણાવશે.