હીટવેવને પગલે દિલ્હી, યુપીમાં ‘રેડ એલર્ટ’ જારી…

0
135

હવામાન વિભાગે દિલ્હી અને આસપાસના રાજ્યોમાં હીટવેવને પગલે ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે. ૧૯ જૂન સુધી દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં કાળઝાળ ગરમી ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. જોકે, એક તરફ ઉત્તર ભારતમાં હીટવેવની સ્થિતિ છે ત્યારે ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ થયો છે.

ઇન્ડિયા મીટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી)એ સોમવારે ઉત્તર ભારતમાં આગામી થોડા દિવસ હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની ચેતવણી આપી છે. આઇએમડીના વૈજ્ઞાનિક સોમા સેને બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હી માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે ઉત્તર પૂર્વના અમુક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ગુવાહાટીમાં સતત વરસાદની શક્યતા છે. સતત વરસાદને કારણે સિક્કિમમાં ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ ઊભી થઈ છે. ઉપરાંત, એક વ્યક્તિનું મોત થયું હતું અને ઘણાને ઇજા થઈ હતી. સેને જણાવ્યું હતું કે, “આસામ, મેઘાલય અને મણિપુરમાં આગામી ૩-૫ દિવસ વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.”

સોમા સેને કહ્યું હતું કે, “આગામી ૩-૫ દિવસમાં ઉત્તર પૂર્વ ભારત અને ખાસ કરીને મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં અતિ ભારે (૨૦ સેમી.થી ‌વધુ) વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની ધારણા છે. મધ્યપ્રદેશ માટે ગાજવીજ સંબંધી ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.”