હોટલ લીલા પાસે ખુલ્લા કૂવામાં પડતાં શ્રમજીવી મહિલાનું મોત

0
202

ગાંધીનગર શહેરમાં દિવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી છે. દેશની રેલવે સ્ટેશન ઉપર બનેલી પહેલી હોટલની બાજુમાં આવેલા વર્ષો જૂના બે ખુલ્લા કુવામાંથી એક કુવો શ્રમજીવી યુવતી માટે મોતનુ કારણ બન્યો છે. ગત સોમવારે ઘરેથી કચરો વિણવા નિકળેલી યુવતી હોટલ પાસેના એક કુવા પાસે પહોંચી હતી અને નરી આંખે કચરાથી ભરાયેલા લાગતા કુવામાં કચરો વીણવા જતા અંદર ગરકાવ થઇ ગઇ હતી. તંત્રના પાપે યુવતીનુ મોત થયુ હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો હતો.

મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં ક રોડ ઉપર આવેલી હોટલ લીલા પાસેના ખુલ્લામાં કુવામાંથી આજે બુધવારે સવારના સમયે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતા સામે આવ્યુ હતુ કે, લીલા હોટલ પાસેના છાપરામાં રહેતી આશરે 25 વર્ષિય ભારતીબેન ભરતભાઇ વાઘેલા ગત સોમવારે તેના ઘરેથી બપોરના 3 વાગ્યાના અરસામાં કચરો વીણવા નિકળી હતી. ત્યારબાદ મોડી રાત સુધી પણ ઘરે નહિ પહોંચતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને યુવતીની શોધખોળ માટે સેક્ટર 7 પોલીસ મથકે પહોંચ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા કોઇ ધ્યાન આપવામાં નહિ આવતા આખરે જાતે શોધખોળ કરવા પરિવાર મજબુર બન્યો હતો.

યુવતી કચરો વીણવાનુ કામ કરતી હોવાથી લીલા હોટલ અને આસપાસમાં શોધખોળ કરતા કરતા આગળ જતા હતા, તે દરમિયાન એક કચરો ભરેલો થેલો લીલા હોટલ પાસે આવેલા બે કુવા પાસેથી મળી આવ્યો હતો. જેથી કુવામાં તપાસ કરવામાં આવી હતી, જેમાં યુવતી જોવા મળતા ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો હતો અને બુધવારે સવારના સમયે યુવતીને કુવામાંથી મૃત હાલતમાં બહાર કાઢવામાં આવી હતી.

લીલા હોટલ પાસેના કુવામાં યુવતી જોવા મળતા ફાયર બ્રિગેડને જાણ કરતા યુવતીના મૃતદેહને સવારના 11 કલાકે કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ સેક્ટર 7 પોલીસ પંચનામુ કરવા બપોરના 2 વાગે પહોંચી હતી. જેથી 3 કલાક સુધી મૃતદેહ બહાર પડી રહ્યો હતો.

લીલા હોટલ પાસે દિવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. બે ખુલ્લા કુવામાં કચરો નાખવામાં આવી રહ્યો છે, જે કચરો સીધી રીતે ઉપર પડેલો જોવા મળતા કુવા ભરાઇ ગયા હોય તેવુ જોવા મળે છે. પરંતુ ભુલથી કુવામાં પગ મુકવામાં આવે તો 20 ફૂટ નીચે ઉતરી જઇ શકે છે. ત્યારે કોઇ બીજો વ્યક્તિ ભોગ બને તે પહેલા તંત્ર કુંભકર્ણની ઉંઘમાંથી જાગે અને કુવાનુ પુરાણ કરવામાં આવે અથવા ઝાંળી નાખવામાં આવે તેવી માંગ ઉઠી હતી. બીજા કોઇનો ભોગ ન લેવાય તે માટે ખુલ્લા કૂવાને ઢાંકી દેવામાં આવે તેવી માગ છે.