10 હજાર દીવડાઓથી રોશન થશે અક્ષરધામ…..

0
535

દિવાળીના પવિત્ર પર્વને ઉજવવા માટે સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમવાર, તા.20 ઓક્ટોબરથી રવિવાર, તા.26 ઓક્ટોબર, 2025 દરમિયાન અહીં પ્રકાશનું પર્વ દીપાવલી ઉજવાશે, જેમાં 10 હજાર દીવડાઓની હારમાળાથી પરિસરને પ્રકાશમય બનાવવામાં આવશે. આ પર્વ અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે, જેમ કહેવાયું છે – ‘તમસો મા જ્યોતિર્ગમય’ – અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફની યાત્રા. સનાતન ભારતીય સંસ્કૃતિની આ ભાવનાને જીવંત કરતું અક્ષરધામ સતત 33 વર્ષથી આ પર્વને જન-જન સુધી પહોંચાડી રહ્યું છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ અક્ષરધામ પરિસરમાં સંધ્યા સમયે હજારો દીવડાઓ વચ્ચે દેદીપ્યમાન મંદિર, હરિયાળા બગીચાઓને રોશન કરતું ‘ગ્લો ગાર્ડન’ અને ‘નીલકંઠ વાટિકા’માં નયનરમ્ય રોશનીનું વિશેષ આકર્ષણ રહેશે. અહીં સંગીત અને 108 ગૌમુખમાંથી વહેતી જલધારા વચ્ચે સ્થિત 49 ફૂટ ઊંચી તપોમૂર્તિ નીલકંઠ વર્ણીની રમણીય મૂર્તિ દર્શકોને ‘સત્યમ્ – શિવમ્ – સુંદરમ્’ની આધ્યાત્મિક અનુભૂતિ કરાવશે. દર્શનાર્થીઓ આ દીપોત્સવી પર્વની અનુભૂતિ સાંજે 6થી 7.45 વાગ્યા દરમિયાન કરી શકશે, જેમાં પરિસરના તમામ ભાગો પ્રકાશથી ઝળહળી ઉઠશે.