15 હજાર વૃક્ષ રોપી વધુ એક ઓક્સિજન પાર્ક બનાવાશે…

0
19

ગાંધીનગરમાં તંત્ર ઉપરાંત વસાહતીઓના ગૃપ દ્વારા સેક્ટર-26માં તૈયાર કરવામાં આવેલા ઓક્સિજન પાર્ક બાદ હવે સેક્ટર-27માં પણ 15 હજાર વૃક્ષો રોપીને નવો ઓક્સિજન પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉમિયમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વૃક્ષોને રોપવાથી લઇને તેના ઉછેર સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.સેક્ટર-26 કિસાનનગરમાં રહેતા વસાહતીઓના એક ગૃપે શહેરને ફરી ગ્રીન કવર અપાવવા અને પર્યાવરણ જાળવણીનો સંકલ્પ કર્યો અને સેક્ટર-26માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉમિયર ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વસાહતીઓ એકત્ર થયા અને અત્યારસુધીમાં 7500 વૃક્ષો રોપીને બે ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે. આ છોડ રોપ્યા બાદ તે ઉછરે તેની પણ કાળજી લેવામાં આવે છે અને પાણી- ખાતર સહિતની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. કોર્પોરેટર રાકેશ પટેલે આ બંને ઓક્સિજન પાર્કની મુલાકાત લઇને ત્યાં થઇ રહેલી ફેન્સીંગની કામગીરીની પણ વિગતો મેળવી હતી. વૃક્ષોના ઉછેર બાબતે કોઇ મુશ્કેલી હોય કે અન્ય કોઇ સુવિધાની જરૂરિયાત હોય તો તે પણ પુરી પાડવા માટે ખાત્રી આપી હતી.બીજી તરફ ઉમિયમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હવે બીજા પ્રોજેક્ટના ભાગરૂપે સેક્ટર-27માં 15 હજાર વૃક્ષો રોપીને વધુ એક ઓક્સિજન પાર્ક તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે સેક્ટર-27માં એરફોર્સ સ્ટેશનની સામેની ખુલ્લી જગ્યા નક્કી કરવામાં આવી છે.