કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે લોકડાઉનની સમીક્ષા કરવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકારને પુછ્યું કે 17 મે બાદ શું થશે અને લોકડાઉન ક્યાં સુધી ચાલશે? તેમણે પુછ્યું કે, ભારત સરકાર આ નક્કી કરવા માટે કયો માપદંડ અપનાવી રહી છે. આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા નેતા હાજર રહ્યા હતા.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, કોવિડ સાથેની લડાઈમાં વૃદ્ધ, ડાયાબિટિસ અને હાર્ટના દર્દીઓને બચાવવા મહત્વના છે. સાથે જ પૂર્વ નાણામંત્રી પિ. ચિંદમ્બરમે કહ્યું કે, રાજ્યો સામે નાણાકીય સંકટ આવી રહ્યું છે, કેન્દ્ર સરકાર તરફથી કોઈ રકમ આપવામાં આવી નથી.