બિહારમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ઢાબા અને રેસ્ટોરન્ટ ખોલવા માટે દરેક જિલ્લાના ડીએમ કેટલીક શરતો સાથે મંજૂરી આપશે. લોકડાઉન દરમિયાન માલવાહક વાહનો અને વાહન ચાલકોને સરળતાથી જમવાનું મળે, એટલે પરિવહન સચિવે 20 એપ્રિલ બાદ ઢાબા અને રેસ્ટોરન્ટ ખોલવા માટે આદેશ આપ્યા છે.
આ સંબંધમાં પરિવહન સચિવ સંજય કુમાર અગ્રવાલે તમામ જિલ્લા અધિકારીઓ અને પોલીસ અધિક્ષકને આદેશ આપ્યા છે.
પરિવહન સચિવ સંજય કુમાર અગ્રવાલે જણાવ્યું કે લોકડાઉનમાં તમામ પ્રકારના માલવાહક વાહનોને મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન વાહન ચાલકોની સુવિધા માટે બંધ ઢાબા અને રેસ્ટોરન્ટ ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. કોવિડ-19 સંક્રમણ રોકવા માટે ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.