320 કરોડની ઉચાપતના કેસમાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અટકાયત

0
249

ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. બુધવારે મોડી રાતે વિપુલ ચૌધરીની ગાંધીનગર ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. આ કારણે અર્બુદા સેનામાં ભારે રોષ વ્યાપ્યો છે.
જાણવા મળ્યા મુજબ દૂધસાગર ડેરીમાં જે ઉચાપાત થઈ તેની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં રૂપિયા 320 કરોડ જેટલી મોટી રકમની ઉચાપાત થઈ હોવાનું ખુલ્યું હતું. આ અંગેનો રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૃહવિભાગની સાથે પોલીસ ભવનને પણ મોકલવામાં આવ્યો હતો.

દૂધસાગર ડેરીમાં આશરે 320 કરોડના બોગસ વ્યવહારો મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA સામે ફરિયાદ થઈ હતી. આક્ષેપ હતો કે, વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપનીઓ બનાવીને 320 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. નાણાંકીય ગેરરીતિનો મામલે હોવાથી તેમની તથા તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.

ત્યાર બાદ વિપુલ ચૌધરી અને તેમના CA સામે પગલાં ભરીને આખરે તેમની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરીને ઉચાપાત અંગે વધુ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.