બેદરકાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની તીસરી આંખ ..!?

0
1500

ગાંધીનગર સિવિલ કેમ્પસમાં ગેરકાયદેસર લારીઓનાં દબાણોની સાથોસાથ આડેધડ પાર્કિંગની સમસ્યા પણ વકરતા ટ્રાફિક પોલીસ ને મેદાને ઉતારી દેવાઈ છે. જે અન્વયે સિવિલ સત્તાધીશો સાથે બેઠક યોજીને ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલે સાંજે ખાસ ડ્રાઈવ યોજીને સાત વાહનો ટોઈંગ કરી અડચણરૂપ વાહનોને લોક મારી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતાં વાહન માલીકો દોડતા થઇ ગયા હતા.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દિન પ્રતિદિન આડેધડ વાહન પાર્કિંગ તેમજ ગેરકાયદેસર લારી ગલ્લા દબાણોનાં કારણે સારવાર અર્થે આવતા દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ કે સામનો કરવો પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલનાં મેઇન ગેટથી માંડીને કેમ્પસની અંદર દબાણોનો રાફડો હોવાના કારણે પણ આડેધડ વાહન પાર્કિંગની સમસ્યા વકરી રહી છે.

આ અંગે ટ્રાફિક પોલીસે કહ્યું કે, સિવિલ કેમ્પસમાં આડેધડ પાર્કિંગની વ્યાપક ફરીયાદો મળી હતી. જેનાં પગલે ગઈકાલે સિવિલ કેમ્પસમાં ખાસ ઝુંબેશ ધરીને આડેધડ પાર્ક થયેલા સાત વાહનો ટોઈંગ કરી લેવાયા હતા. અહીં ચાની કીટલી, મેડિકલ સ્ટોર આગળના જાહેર રોડ પર વાહનો પાર્ક થયેલા જોવા મળ્યા હતા. જે તમામ વાહનો દૂર કરાવી રોડ ક્લિયર કરાવી બેરીકેટ મૂકી દેવાયા છે. જ્યારે સિવિલ પ્રશાસનને પણ સિક્યોરીટીનાં માણસોની સંખ્યા વધારી ફરીવાર આડેધડ વાહનો પાર્ક થાય એવી સુચારુ વ્યવસ્થા ગોઠવવા કહેવામાં આવ્યું છે.