RG Kar હોસ્પિટલમાં 50 વરિષ્ઠ ડૉક્ટરોનું સામૂહિક રાજીનામું ….

0
34

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો હંગામો અટકવાનો નામ નથી લઇ રહ્યો. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, લગભગ 50 ડૉક્ટરે મંગળવારે રાજીનામું આપી દીધું છે. મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં ન્યાયની માંગ સાથે ડૉકટરો ઘણા દિવસોથી આમરણાંત ઉપવાસ પર છે. તેઓએ એક સાથે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલી આરજી કર હોસ્પિટલની બહાર જુનિયર તબીબોની ભૂખ હડતાળ ચાલુ છે. આજે તેમના સમર્થનમાં 50 વરિષ્ઠ ડૉકટરે પણ સામૂહિક રાજીનામું આપ્યું હતું. જુનિયર ડૉક્ટર્સ ફ્રન્ટ મહિલા ડૉક્ટરોને ન્યાય આપવા અને કેટલાક ઉચ્ચ અધિકારીઓને હટાવવાની માંગ સાથે ભૂખ હડતાળ પર છે. જણાવી દઇએ કે, જુનિયર ડોકટરો શનિવારથી તેમની મહિલા સહયોગી માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. તેમની અન્ય માંગણીઓમાં રાજ્યની તમામ હોસ્પિટલો અને મેડિકલ કોલેજો માટે સેન્ટ્રલાઈઝ રેફરલ સિસ્ટમની સ્થાપના, બેડ વેકેન્સી મોનિટરિંગ સિસ્ટમનો અમલ અને CCTV, ઓન-કોલ રૂમ અને વોશરૂમ માટે જરૂરી જોગવાઈઓ સુનિશ્ચિત કરવા ટાસ્ક ફોર્સની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ સાથે કાર્યસ્થળોની રચના સામેલ છે. તેઓ હોસ્પિટલોમાં પોલીસ સુરક્ષા વધારવા, કાયમી મહિલા પોલીસ કર્મચારીઓની ભરતી અને ડોકટરો, નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓની ખાલી જગ્યાઓ ઝડપથી ભરવાની પણ માંગ કરી રહ્યા છે.RG Kar હોસ્પિટલના વરિષ્ઠ ડોકટરોએ જણાવ્યું હતું કે, સામૂહિક રાજીનામાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કારણ કે “અમારા બાળકોને બચાવવા અને તેમની સમસ્યા હલ કરવા માટે વહીવટીતંત્ર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.” આજની શરૂઆતમાં, લગભગ 15 વરિષ્ઠ ડૉકટર તેમના જુનિયર ડૉકટરો સાથે એકતામાં પ્રતિકાત્મક ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. જુનિયર ડૉક્ટરનું આ આંદોલન કોલકાતામાં દુર્ગા પૂજા તહેવાર દરમિયાન થયું છે. આ જઘન્ય ઘટનાને પગલે રાજ્યમાં ઉત્સવનો ઉત્સાહ ઓસરી ગયો છે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે સોમવારે ખાતરી આપી હતી કે રાજ્યની મેડિકલ કોલેજોમાં ચાલી રહેલા 90 ટકા પ્રોજેક્ટ્સ આવતા મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમણે વિરોધ કરી રહેલા ડોકટરોને કામ પર પાછા ફરવા વિનંતી કરી હતી.