ફાઇનલમાં વરુણ ચક્રવર્તી અમારી સામે સૌથી જોખમી છેઃ ન્યૂઝીલેન્ડ

0
51

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં અમારી સામે સૌથી મોટું જોખમ ભારતનો જાદૂઈ સ્પિનર વરુણ ચક્રવર્તી છે તેમ ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટીડે કબૂલ્યું હતું. અહીંના દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમાવાની છે. ગેરી સ્ટીડે જણાવ્યું હતું કે અમારી સામે છેલ્લી મેચમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. તે ક્લાસ બોલર છે અને તેણે છેલ્લી મેચમાં પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું. હવે રવિવારે પણ તે અમારી સામે સૌથી મોટું જોખમ બની શકે છે. આમ અમે અમારી તમામ રણનીતિ ચક્રવર્તીને ધ્યાનમાં રાખીને ઘડવાના છીએ. તેની સામે કેવી રીતે રમવું અને રન ફટકારવા તે અંગે અમે ખાસ નીતિ ઘડીશું તેમ ગેરી સ્ટીડે ઉમેર્યું હતું.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છેલ્લે રમાયેલી ગ્રૂપ મેચમાં ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ 42 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી તો ન્યૂઝીલેન્ડ માટે મેટ હેનરીએ એટલાં જ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. સ્ટીડનું કહેવું છે કે એ મેચમાંથી અમે ચક્રવર્તીને કેવી રીતે રમવો તે અંગે આઇડિયા લઇશું. જોકે ગેરી સ્ટીડે દુબઈની પરિસ્થિતિથી ભારત સારી રીતે વાકેફ છે તે મુદ્દા પર કાંઈ ખાસ નોંધ લેવાનો ઇનકાર કરી દીધો હતો. તેણે જણાવ્યું હતું કે ટુર્નામેન્ટના સ્થળ કે કાર્યક્રમનો નિર્ણય અમારા હાથમાં નથી.

આમ આ અંગે અમારે ખાસ ચિંતા કરવાની જરૂર હોવી જોઇએ નહીં. ભારતને તેની તમામ મેચ અહીં રમવા મળી છે પરંતુ અમને કેટલીક મેચ જ રમવા મળી છે પરંતુ અમે અમારા અનુભવને આધારે ઝડપથી શીખી ગયા છીએ. તમે કોઈ ટુર્નામેન્ટના આ તબક્કે પહોંચી ગયા હો ત્યારે આ બાબતો અંગે વિચારવાની જરૂર નથી. ટુર્નામેન્ટના પ્રારંભે આઠ ટીમ હતી અને હવે બે ટીમ બાકી રહી ગઈ છે. આ પોઝિશન પર પહોંચવું રોમાંચક બાબત છે. અમે રવિવારે ભારતને હરાવવા માટે પર્યાપ્ત ક્ષમતા ધરાવીએ છીએ. અમે જીતીશું તો મને સૌથી વધુ આનંદ થશે.

અંતિમ ગ્રૂપ મેચથી શરૂ કરીને ન્યૂઝીલેન્ડની ટીમ દુબઈ અને પાકિસ્તાન આવનજાવન કરી રહી છે. તેઓ પાકિસ્તાનમાં રમ્યા બાદ લીગ મેચ રમવા દુબઈ આવ્યા હતા અને ત્યાંથી અંતિમ લીગ મેચ રમવા લાહોર ગયા હતા. હવે ફાઇનલ રમવા માટે ફરીથી દુબઈ પહોંચ્યા છે. સ્ટીડ કહે છે કે આ બાબત જ અમારી વ્યસ્તતા પુરવાર કરે છે પરંતુ અમે આ પ્રકારના કાર્યક્રમથી સેટ થઈ ગયા છીએ.