સાતમી માર્ચે અનુપમ ખેરની ૭૦મી વર્ષગાંઠ હતી અને તેમણે એ દિવસ પોતાના પરિવારજનો અને મિત્રો સાથે હરિદ્વારમાં મનાવ્યો હતો. અહીં તેઓ પરિવાર અને મિત્રો સાથે સ્વામી અવધેશાનંદગિરિને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા તથા ગંગા આરતીમાં ભાગ લીધો હતો. અનુપમ ખેરે આ ખાસ અંદાજમાં ઊજવેલા જન્મદિનનો અનુભવ ફૅન્સ સાથે શૅર કર્યો હતો. તેમનું કહેવું છે કે આ તેમનો અત્યાર સુધીનો સૌથી શાનદાર જન્મદિવસ રહ્યો છે.અનુપમ ખેરે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં લખ્યું છે, ‘હરિદ્વારમાં જન્મદિવસ ઊજવીને મન અને આત્મા બન્નેમાં આનંદ થયો અને આત્મિક તૃપ્તિ મળી. બાળપણમાં તો આવી જ રીતે જન્મદિવસ મનાવતા હતા. પરિવાર અને મિત્રો સાથે પૂજા કરીને, સંતોને ભોજન કરાવીને, હસીને-ગાઈને લીધા ગંગામૈયાના આશીર્વાદ. ગંગા આરતીની પળો અવિસ્મરણીય હતી. હું સ્વામી અવધેશાનંદજી અને હરિહર આશ્રમના દરેક સંત અને વૉલન્ટિયરનો દિલથી આભાર માનું છું જેમણે મારા માટે પ્રાર્થના કરી અને મારા મિત્રો તથા પરિવારના દરેક સભ્યનું અભિવાદન પણ કર્યું હતું. શ્રી ગંગાસભાએ ખૂબ શ્રદ્ધાથી ગંગા આરતી કરાવી. ખૂબ-ખૂબ આભાર.