રાજ્યમાં 209 તાલુકામાં મેઘમહેર : રવિવારે 5 જિલ્લામાં રેડ એલર્ટ

0
339

ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરુ થઇ ગયો છે. શનિવારને 6 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં 7.17 ઇંચ વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 6 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 49 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. જેમાં કપરાડામાં 7.17 ઇંચ, બોટાદમાં 3.50 ઇંચ, પોશિનામાં 3.27 ઇંચ, પડઘરીમાં 3.15 ઇંચ, તલોદમાં 3.07 ઇંચ, સાણંદમાં 3.3 ઇંચ, જામકંડોરાણામાં 2.83 ઇંચ, પ્રાંતિજમાં 2.72 ઇંચ, બાયડ અને ઉમરગામમાં 2.60 ઇંચ વરસાદ નોંધાયો છે આ સિવાય અન્ય 199 તાલુકામાં 1 થી લઇને 63 મીમી સુધી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 7 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પાટણ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, મોરબી અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય , જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ , ભરુચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં યલ્લો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.